Rinku Singh Priya Saroj Engagement: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સગાઇ કરી હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિંકુ સિંહે ઉત્તર પ્રદેશના સાંસદ પ્રિયા સરોજ સાથે હાલમાં જ સગાઈ કરી છે. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. જોકે સપા સાંસદ પ્રિયા સરોજના પિતા અને સપા ધારાસભ્ય તૂફાની સરોજે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજના હવાલાથી એબીપી ન્યૂઝે લખ્યું કે અમે આ સંબંધ વિશે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છીએ. લગ્નનો મામલો છે તેથી વિચારીને નિર્ણય લેવો પડે છે. જોકે આ બન્નેની સગાઇના સમાચાર સાચા નથી.
કોણ છે પ્રિયા સરોજ?
મછલીશહરથી સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ ત્રણ વખતના સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ વકીલ હતા. 2024માં પ્રિયાએ તેની પ્રથમ લોકસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર બીપી સરોજ (ભોલાનાથ સરોજ) ને 35,850 મતોના અંતરથી હરાવીને જીતી હતી.
પ્રિયા સરોજ માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. પ્રિયા સરોજ સંસદના નીચલા ગૃહમાં ચૂંટાયેલા બીજા સૌથી નાની વયના ઉમેદવાર બન્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશથી લોકસભા પહોંચનારી સૌથી નાની ઉંમરના સાંસદ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ અને નોઇડાની એમિટી યુનિવર્સિટી, નોઇડામાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો – BCCIએ ક્રિકેટરો માટે જાહેર કર્યા નવા નિયમો, જો કોઈ ક્રિકેટરે આ 10 રુલ્સ તોડ્યા તો લાગશે પ્રતિબંધ!
રિંકુ સિંહની કારકિર્દી
રિંકુ સિંહની વાત કરીએ તો તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટી -20 શ્રેણીની પ્રથમ મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. રિંકુ સિંહ ભારતની ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. તે ટીમ સાથે યાત્રા કરનાર રિઝર્વ ખેલાડી હતો.





