Vinesh Phogat Retirement, વિનેશ ફોગાટ નિવૃત્તિ : વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓલિમ્પિક રેસલિંગ ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા બાદ વિનેશ ઇતિહાસ રચવાની નજીક હતી. જોકે, 29 વર્ષીય કુસ્તીબાજ બુધવારે સવારે 100 ગ્રામ વધારે વજન ધરાવતી હોવાના કારણે તેને 50 કિલો વર્ગની સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી.
વિનેશે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા X પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે કહ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી.” ગુડબાય રેસલિંગ 2001-2024. તમારી ક્ષમા માટે હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ.” વિનેશના સાથી કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “વિનેશ તું હારી નથી, તને હરાવવામાં આવી છે, અમારા માટે તું હંમેશા વિજેતા રહીશ, તું માત્ર ભારતની દીકરી જ નથી પરંતુ ભારતનું ગૌરવ પણ છે.”
ભારતીય ટીમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં પણ અપીલ દાખલ કરી હતી
ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે વિનેશ અને ભારતીય ટીમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. જેમાં વિનેશ ફોગટને સિલ્વર મેડલ આપવાની માંગ કરવામાં આવી છે. રમતગમતની સર્વોચ્ચ સંસ્થા ગુરુવારે તેનો ચુકાદો જાહેર કરે તેવી અપેક્ષા છે. ઓલિમ્પિક રમતો દરમિયાન અથવા ઉદઘાટન સમારોહના 10 દિવસ પહેલા ઉદ્ભવતા કોઈપણ વિવાદોના મધ્યસ્થી દ્વારા નિરાકરણ માટે રમતોમાં CAS ના એડહોક વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે સવારે સુનાવણી થશે.
સારા એન હિલ્ડેબ્રાન્ડે ગોલ્ડ જીત્યો
50 કિગ્રા વર્ગમાં સેમિફાઇનલમાં વિનેશ સામે હારનાર ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝે બુધવારે રાત્રે ફાઇનલમાં તેના સ્થાને અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કર્યો હતો.
આ પણ વાંચોઃ- 140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા લોહી કઢાવ્યું, વાળ કપાવ્યા
હિલ્ડેબ્રાન્ડે મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશની આ ત્રીજી ઓલિમ્પિક હતી. 2016માં રિયો અને 2021માં ટોક્યોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે તેણે વજન ઘટાડ્યું હતું. તેણીએ 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો.





