scorecardresearch

ભારત પહેલા ફ્રેન્ચાઇઝી પછી, આઈપીએલમાં જસપ્રીત બુમરાહની વાપસીની ચર્ચા પર આકાશ ચોપડાનો સ્પષ્ટ જવાબ

IPL 2023: જસપ્રીત બુમરાહ ગત વર્ષે સપ્ટેમ્બરથી પીઠની ઇજાથી ઝઝુમી રહ્યો છે. ઇજાના કારણે 29 વર્ષીય ખેલાડી ટી-20 વર્લ્ડ કપ 2022માં રમી શક્યો ન હતો, હવે રિપોર્ટ છે કે તે આઈપીએલ 2023માં વાપસી કરી શકે છે

JASPRIT BUMRAH | IPL
IPL 2023: જસપ્રીત બુમરાહ અને આકાશ ચોપડા (FILE)

IPL 2023: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં પણ તેની પસંદગી થઇ નથી. રિપોર્ટ છે કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં વાપસી કરી શકે છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું કે ભારત તરફથી રમવું પહેલા આવે છે અને તે પછી ફ્રેન્ચાઇઝી આવે છે. આવામાં જો જરૂર પડી તો રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઇન્ડિયન્સને બુમરાહને ના રમાડવાનો નિર્ણય લેવો પડશે. તેમને બીસીસીઆઈને વાત માનવી પડશે અને તેનો ફિટનેસ મોનિટર કરાશે.

સ્પોર્ટ્સકીડા સાથે વાતચીતમાં આકાશ ચોપડાએ કહ્યું કે તમે પહેલા એક ભારતીય ખેલાડી છો અને પછી તમે પોતાની ફ્રેન્ચાઇઝી માટે રમો છો. જેથી જો બુમરાહને કોઇ પરેશાની થાય તો બીસીસીઆઈ હસ્તક્ષેપ કરશે અને ફ્રેન્ચાઇઝીને બતાવશે કે અમે તેને રિલીઝ કરવા જઇ રહ્યા નથી. જો તે સાત મેચ નહીં રમે તો દુનિયા ખતમ થઇ જશે નહીં.

જસપ્રીત બુમરાહ ગત વર્ષે સપ્ટેમ્બરથી ઇજાગ્રસ્ત

જસપ્રીત બુમરાહ ગત વર્ષે સપ્ટેમ્બરથી પીઠની ઇજાથી ઝઝુમી રહ્યો છે. ઇજાના કારણે 29 વર્ષીય ખેલાડી ટી-20 વર્લ્ડ કપ 2022માં રમી શક્યો ન હતો. આ દરમિયાન 2023ના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. આવામાં આકાશ ચોપડાએ કહ્યું કે જ્યારે તમે ફિટ હોવ છો તો તમે રમવાનું ચાલું રાખવા માંગો છો કારણ કે આ તમને શાનદાર બનાવે છે. તેથી મને નિશ્ચિત રુપથી લાગે છે કે જો બીસીસીઆઈ હસ્તક્ષેપ કરે તો મુંબઇ ઇન્ડિયન્સ તેના પર ધ્યાન આપશે કારણ કે તે દેશ માટે ઘણો મૂલ્યવાન છે.

આ પણ વાંચો – IPL જોવા હવે પૈસા ચૂકવવા નહીં પડે, તમે અલગ-અલગ એન્ગલથી ફ્રીમાં તમામ મેચ જોઈ શકશો

20 ખેલાડીઓની ફિટનેસ પર દેખરેખ

છેલ્લા બે વર્ષોમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પુરી રીતે ફિટ ન હોવા અને આઈસીસી ટૂર્નામેન્ટમાં ઇજાના કારણે બહાર થવા પર બીસીસીઆઈએ ટિકાનો સામનો કરવો પડ્યો હતો. જેથી બીસીસીઆઈ આ વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડ કપ અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ધ્યાનમાં રાખતા 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આઈપીએલ દરમિયાન આ ખેલાડીઓની ફિટનેસ પર દેખરેખ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાખવામાં આવશે.

Web Title: Ipl 2023 aakash chopra feels mumbai indians need to rest jasprit bumrah

Best of Express