IPL 2023 Gujarat Titans vs Mumbai Indians 2nd Qualifier Preview: આઈપીએલ 2023ની એલિમિનેટર મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર 2 માં સ્થાન બનાવી લીધી છે. હવે ફાઇનલમાં પહોંચવા માટે મુંબઈએ ક્વોલિફાયર- 2 માં ગુજરાત ટાઇટન્સ સામેનો મુકાબલો જીતવો પડશે. મુંબઈને એલિમિનેટર મેચ જીતીને પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશવાની તક મળશે, જ્યારે હાર્દિક પંડયાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ રોહિત શર્માના માર્ગમાં મોટો અવરોધ બની શકે છે. ગુજરાતની ટીમ વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહી છે.
મુંબઈ એલિમિનેટર જીતીને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવા માંગશે
2023 પહેલા મુંબઈની ટીમ આઇપીએલમાં ત્રણ વખત એલિમિનેટર મેચ રમી ચૂકી છે. આ ત્રણ મેચમાંથી બે વખત મુંબઈએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક વખત આ ટીમે એલિમિનેટર મેચ જીતી હતી. જોકે આ ટીમ એક વખત એલિમિનેટર જીતીને ક્વોલિફાયર 2 માં આરસીબી સામે હારી ગઈ હતી અને ટીમ ફાઇનલમાં પહોંચવાથી ચુકી ગઈ હતી. પરંતુ આ વખતે એલિમિનેટર મેચ જીતીને રોહિત શર્માની ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની મોટી તક હશે અને આ ટીમ પોતાની અગાઉની ભૂલનું પુનરાવર્તન કરવા માંગશે નહીં.
એલિમિનેટર મુકાબલામાં મુંબઈનું પ્રદર્શન
2011- આ વર્ષે મુંબઈની ટીમ એલિમિનેટર મેચમાં કેકેઆરને 4 વિકેટથી હરાવીને ક્વોલિફાયર-2 માં પહોંચી હતી. આ પછી ક્વોલિફાયર -2 માં ટીમનો મુકાબલો આરસીબી સામે થયો હતો અને જેમાં 43 રને પરાજય થયો હતો. જેના કારણે ટીમ ફાઈનલમાં પ્રવેશવાથી ચુકી ગઈ હતી.
2012- આ વર્ષે મુંબઈનો એલિમિનેટર મેચમાં સીએસકે સામે મુકાબલો થયો હતો. મેચમાં મુંબઈનો 38 રને પરાજય થયો હતો. જેથી મુંબઈ ફાઈનલમાં પહોંચી શક્યું ન હતું.
2014- બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈની એલિમિનેટર મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટક્કર થઇ હતી. આ મેચમાં સીએસકેએ મુંબઈને 7 વિકેટથી હરાવ્યું હતું. પરાજય થતા ટીમનું ફાઈનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું હતું.
2023- મુંબઈએ ત્રણ વખત એલિમિનેટર રમીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો નથી. એક એલિમિનેટરમાં એકવાર જીત્યા પછી પણ આ ટીમની સફર ક્વોલિફાયર-2 માં સમાપ્ત થઈ હતી. હવે આઇપીએલની આ સિઝનમાં મુંબઈએ એલિમિનેટરમાં વિજય મેળવ્યો છે અને તે બીજા ક્વોલિફાયરમાં ગુજરાત સામે ટકરાશે. આ સ્થિતિમાં મુંબઈને પહેલી વખત એલિમિનેટર જીત્યા બાદ ફાઈનલમાં પ્રવેશવાની તક રહેશે.
આ પણ વાંચો – વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બન્યો, ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતનું પ્રદર્શન
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતનું હોમગ્રાઉન્ડ છે અને આ મેદાન પર હાર્દિક પંડયાની કેપ્ટન્સીમાં ગુજરાતનો દેખાવ અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યો છે. ગુજરાતે વર્ષ 2022માં આ મેદાન પર પોતાની પ્રથમ મેચ રમી હતી, જે સિઝનની ફાઇનલ મેચ હતી. આ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવીને પ્રથમ વખત આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ પછી આઇપીએલ 2023માં ગુજરાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14માંથી 7 લીગ મેચ રમી છે. જેમાં 4 મેચમાં જીત મેળવી છે અને 3 માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. એટલે કે ઓવરઓલ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 મેચ રમ્યું છે, જેમાં 5માં જીત મેળી છે અને 3માં પરાજય થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, તિલક વર્મા, ક્રિસ જોર્ડન, રુતિક શોકીન, પિયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, આકાશ માધવલ, રમનદીપ સિંહ, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, કુમાર કાર્તિકેય, સંદીપ વોરિયર, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર, ડુઆન જોન્સન, અરશદ ખાન, રાઘવ ગોયલ.
ગુજરાત ટાઇટન્સ ટીમ
શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડયા (કેપ્ટન), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી, યશ દયાલ, વિજય શંકર, શ્રીકર ભારત, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અભિનવ મનોહર, દર્શન નાલકંડે, મેથ્યુ વેડ, અલ્ઝારી જોસેફ, ઓડિયન સ્મિથ, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, ઉર્વિલ પટેલ, સાઈ સુદર્શન.