IPL 2023, LSG vs RCB : ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર બંને એવા ખેલાડી છે જે મેદાન પર પોતાની આક્રમક શૈલી માટે જાણીતા છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંને ખેલાડીઓ મેદાન પર આમને-સામને આવે છે તો હંગામો થવાનો જ છે. સોમવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે રકઝક જોવા મળી હતી. આ બન્ને વચ્ચે રકઝક થઇ હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આવું 10 વર્ષ પહેલા પણ બન્યું હતું જ્યારે વિરાટ કોહલી આરસીબીનો કેપ્ટન હતો અને ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન હતો.
ગંભીર અને કોહલી 10 વર્ષ પહેલા ટકરાયા હતા
વર્ષ 2013માં આરસીબી અને કેકેઆર વચ્ચે મેચ હતી. કોહલીનો અગાઉ રજત ભાટિયા સાથે વિવાદ થયો હતો. મેચ બાદ ગંભીર અને કોહલી વચ્ચે પણ ટકરાવ થયો હતો અને વિવાદ વધી ગયો હતો. આ મેચમાં કેકેઆરનો પરાજય થયો હતો. સોમવારે બેંગલોરની ટીમ લખનઉને તેના ઘરઆંગણે 18 રનથી હરાવવામાં સફળ રહી હતી.
ઉથપ્પાએ કોહલી પર ઉઠાવ્યા સવાલ
સોમવારે જ્યારે ફરી બંને ખેલાડીઓ વચ્ચે અણબનાવ થયો અને મેદાન પર જે નજારો જોવા મળ્યો તેને જોઈને આરસીબીના પૂર્વ ખેલાડી અનિલ કુંબલે અને રોબિન ઉથપ્પા ઘણા નિરાશ થયા હતા. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રોબિન ઉથપ્પાએ કહ્યું કે આ યોગ્ય નથી. જો કોઈ બોલરે આ રીતે ઉજવણી કરી હોત તો તેને સજા થઈ હોત.
આ પણ વાંચો – લો સ્કોરિંગ મેચમાં બેંગલોરના બોલરોએ રંગ રાખ્યો, લખનઉ સામે વિજય મેળવ્યો
અનિલ કુંબલેએ ગંભીર અને કોહલીને સલાહ આપી
આ સાથે જ અનિલ કુંબલેને કોહલી અને ગંભીરની મેદાન પરની રકઝક પસંદ આવી ન હતી. અનિલ કુંબલેએ કહ્યું કે મેચ દરમિયાન ખેલાડીઓ ઘણું અનુભવ કરે છે પરંતુ તેમને આ રીતે બતાવવું યોગ્ય નથી. તમે વાતચીત કરી શકો છો પરંતુ જે થયું તે યોગ્ય ગણી શકાય નહીં. જે પણ હોય તમારે વિરોધીઓનું સન્માન કરવું જોઈએ. તમે ગુસ્સામાં કંઈ પણ કહી શકો છો પરંતુ જ્યારે મેચ પૂરી થઈ જાય છે ત્યારે તમે હાથ મિલાવો છો. મને ખબર નથી કે શું કહેવામાં આવ્યું હતું પરંતુ તે જે પણ હતું તે વ્યક્તિગત લાગતું હતું. વિરાટ અને ગંભીરે જે કર્યું તે સારું ન હતું.
BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની 100 ટકા મેચ ફી કાપી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને સજા ફટકારી છે. મેચમાં થયેલી બબાલના કારણે BCCIએ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની 100 ટકા મેચ ફી કાપી લીધી છે. અફઘાન ક્રિકેટર નવીન ઉલ હકની પણ 50 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે.