scorecardresearch

આઈપીએલ 2023 : લીગ સ્ટેજનું અંતિમ અઠવાડીયું બન્યું રસપ્રદ, પ્લેઓફનું પૂરું ગણિત સમજો

IPL 2023 Playoffs Qualification : રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સને અને કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઇ સુપર કિંગ્સને હરાવી પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે

IPL 2023 Playoffs Qualification Scenario
આઈપીએલ 2023માં 61 મેચ થઈ ચૂકી છે અને પ્લેઓફનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી (Pics – IPL Twitter)

IPL 2023 Playoffs Qualification Scenario : આઈપીએલ 2023માં 61 મેચ થઈ ચૂકી છે અને પ્લેઓફનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. દિલ્હી કેપિટલ્સને બાદ કરતાં લીગ સ્ટેજના છેલ્લા સપ્તાહમાં જે ટીમનો પરાજય થશે તેની પ્લેઓફની આશાને ફટકો પડશે. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (આરસીબી) રાજસ્થાન રોયલ્સ (આરઆર)ને અને કોલકાતા નાઇટ રાઇડર્સે (કેકેઆર) ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે)ને હરાવી પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે. સમીકરણ એવું છે કે બીજા ક્રમે રહેલી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.

…તો ચેન્નઈ સુપર કિંગ્સ પર બહાર થઇ જશે

ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં પ્રવેશવા માટે દિલ્હી કેપિટલ્સ સામે જીતવું જરુરી છે. ચેન્નઇની ટીમ શનિવારે (20 મે) તેની આખરી લીગ મેચમાં વિજય મેળવશે તો તે સીધી જ નોકઆઉટમાં પહોંચી જશે. જોકે પરાજય તેની મુશ્કેલી વધારી શકે છે. જો તે મેચ હારી જશે તો તે 15 પોઇન્ટ પર પર જ અટકી જશે. તેનો અર્થ એ થશે કે તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે નહીં. ગુજરાત ટાઇટન્સના પહેલાથી જ 16 પોઇન્ટ છે.લખનઉ સુપર જાયન્ટ્સના 17 જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સના 16-16 પોઈન્ટ થઈ શકે છે. જોકે આ માટે આરસીબી અને પંજાબ કિંગ્સે બાકી બચેલી બન્ને મેચમાં જીત મેળવવી પડશે. આવી સ્થિતિમાં ચેન્નાઈએ દરેક પરિસ્થિતિમાં આ મેચ જીતવી જરુરી રહેશે.

ઘણી ટીમો પહોંચી શકે છે પ્રથમ નંબરે

જો મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની બાકીની બંને મેચ જીતી લે તો તેના 18 પોઈન્ટ થઈ જશે, જ્યારે સીએસકેના મહત્તમ 17 પોઈન્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચેન્નઈની ટીમ ટોપ 2 માં પહોંચી શકશે નહીં. જો લખનઉની ટીમ મુંબઈ અને કોલકાતાને હરાવશે તો તેના 17 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં જો ગુજરાતની ટીમ બંને મેચ હારી જાય છે તો ચેન્નઈ અને લખનઉની ટીમ નંબર 1 અને નંબર 2 પર રહેશે. જો ગુજરાત બંને મેચ હારશે અને મુંબઈ બંને મેચ જીતશે તો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નંબર-1 પર રહેશે. છેલ્લી મેચ જીતીને ચેન્નઈ બીજા ક્રમે રહેશે.

આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે આઈપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી, કેએલ રાહુલ-કમિન્સનો રેકોર્ડ તોડ્યો

ચેન્નઈ ઉપરાંત આ ટીમોના 16 પોઈન્ટ કે તેથી વધુ પોઈન્ટ થઈ શકે છે

ગુજરાત પાસે પહેલાથી જ 16 પોઇન્ટ છે. તે બંને મેચ જીતીને 20 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. મુંબઈ અને લખનઉ બન્નેએ બે-બે મેચ રમવાની બાકી છે. જો તેઓ એકમાં વિજય મેળવશે તો તેમના 16 કે તેથી વધુ પોઈન્ટ્સ થઇ જશે. જોકે, બંનેને એકબીજા સામે એક-એક મેચ રમવાની છે. જો મુંબઈ આ મેચમાં હારશે તો તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જો લખનઉ હારશે તો તે માત્ર 15 પોઇન્ટ સુધી પહોંચી જશે. આરસીબી અને પંજાબના પણ 16-16 પોઇન્ટ થઇ શકે છે. આ માટે તેમને બંને મેચ જીતવી પડે તેમ છે.

આ ટીમો 14 પોઇન્ટથી આગળ નહીં વધી શકે

રાજસ્થાન અને કોલકાતાની હવે એક મેચ બાકી છે. બન્નેના 12 પોઇન્ટ છે. બન્ને છેલ્લી મેચમાં જીત મેળવે તો પણ 14 પોઇન્ટ થઇ શકે છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની 3 મેચ બાકી છે. હૈદરાબાદના 8 પોઇન્ટ છે અને ત્રણેયમાં જીત મેળવે તો પણ 14 પોઇન્ટ થશે. દિલ્હી કેપિટલ્સના હાલ 8 પોઇન્ટ છે અને બન્ને મેચમાં જીત મેળવે તો પણ તેના 12 પોઇન્ટ થશે. તેની જીતનો અર્થ એ છે કે અન્ય ટીમોનું કામ ખરાબ કરશે. દિલ્હીને પંજાબ અને ચેન્નઈ સામે મેચ રમવાની છે.

આઈપીએલ 2023 માં આટલી લીગ મેચો બાકી છે

15 મે 2023 – ગુજરાત ટાઇટન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ
16 મે 2023 – લખનઉ સુપર જાયન્ટ્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ
17 મે 2023 – પંજાબ કિંગ્સ વિ. દિલ્હી કેપિટલ્સ
18 મે 2023 – સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોર
19 મે 2023 – પંજાબ કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ
20 મે 2023 – દિલ્હી કેપિટલ્સ વિ. ચેન્નાઇ સુપર કિંગ્સ
20 મે 2023 – કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ
21 મે 2023 – મુંબઈ ઈન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ
21 મે 2023 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. ગુજરાત ટાઇટન્સ

Web Title: Ipl 2023 playoffs qualification scenario league stage last week

Best of Express