IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 42મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ટીમ ડેવિડે અંતિમ ઓવરમાં 3 બોલમાં 3 સિક્સર ફટકારીને રાજસ્થાન રોયલ્સ પાસેથી મેચ આંચકી લીધી હતી. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામે પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
આઇપીએલ અને ટી-20 ક્રિકેટમાં અગાઉ પણ એવી ઘટનાઓ બની ચુકી છે કે જ્યારે પ્લેયરે મેચ કે ઓવરના અંતિમ બોલ કે ઓવર, અંતિમ બે બોલ કે અંતિમ 4 બોલ પર સિક્સર ફટકારીને પોત-પોતાની ટીમોને જીત અપાવી છે. આવો જાણીએ કયા-કયા પ્લેયર્સે આ સિદ્ધિઓ પોતાના નામે કરી છે.
આદિત્ય તારેએ નિર્ણાયક બોલ પર સિક્સર ફટકારી
શરૂઆત આદિત્ય તારેથી કરીએ. આઇપીએલ 2014માં છેલ્લી લીગ મેચ 25 મેના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં પહોંચવા માટે જીતની જરુર હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા હતા.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે આખરી બોલમાં એક રનની જરુર હતી અને આદિત્ય તારેએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ મુંબઈ ઈન્ડિયન્સની જીતથી ખુબ જ ખુશ હતો. તે મેદાન પર આવીને આદિત્ય તારેને ભેટી પડ્યો હતો.
રાહુલ તેવટિયાએ આખરી બે બોલમાં બે સિક્સર ફટકારી હતી
આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઇમાં સિઝનની 16મી મેચમાં પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. પહેલા 4 બોલમાં તેને ફક્ત 7 રન જ બનાવ્યા હતા. તેમને 2 બોલમાં જીતવા માટે 12 રનની જરુર હતી. આ સમયે રાહુલ તેવટિયાએ આખરી બે બોલ પર બે સિક્સર ફટકારીને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી.
કાર્લોસ બ્રેથવેટે સતત 4 સિક્સર ફટકારી વેસ્ટ ઇન્ડીઝને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
2016માં આઈસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 19 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઇન્ડીઝની જીત માટે અંતિમ ઓવરમાં 19 રનની જરૂર હતી.
કાર્લોસ બ્રેથવેટે બેન સ્ટોક્સની 20મી ઓવરમાં પ્રથમ, બીજા,ત્રીજા અને ચોથા બોલ પર સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝને ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.