IPL 2024 : પંજાબ કિંગ્સે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ હાર બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. હવે ટીમ માટે દરેક મેચ કરો યા મરોની સ્થિતિમાં રહેશે. મેચમાં મળેલી હાર બાદ ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડનું દર્દ છલકાયું હતું. તેણે કહ્યું કે તે એટલા માટે નારાજ છે કારણ કે પ્રેક્ટિસ કરવા છતાં તે ટોસ જીતી શકતો નથી.
રૂતુરાજ ગાયકવાડે ટોસ માટે પ્રેક્ટિસ કરે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 10 મેચ રમી ચુક્યું છે, જેમાંથી તે માત્ર એક જ વખત ટોસ જીતી શક્યું છે. આ વિશે ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે હું મેચ પહેલા ટોસની પ્રેક્ટિસ કરી રહ્યો છું. મજાની વાત એ છે કે પ્રેક્ટિસમાં હું ટોસ જીતી રહ્યો છું પણ મેચમાં નહીં. સાચું કહું તો આ કારણે મારા પર ઘણું દબાણ છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ ટોસ હારીને આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. તેણે 20 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. પંજાબે આ લક્ષ્ય 13 બોલ પહેલા જ મેળવી લીધો હતો. ગાયકવાડના મતે બીજી ઈનિંગ્સમાં ઝાકળના કારણે બેટીંગ આસાન રહી હતી. તેણે કહ્યું કે ઝાકળને કારણે અમારા માટે પરિસ્થિતિઓ જ મુશ્કેલ હતી. ગત મેચમાં પણ અમે આશ્ચર્યચકિત હતા જ્યારે અમે મોટા અંતરથી મેચ જીતી હતી. આ એવી વસ્તુ છે જે આપણા હાથમાં નથી.
આ પણ વાંચો – આઈપીએલ 2024, પંજાબ કિંગ્સનો આસાન વિજય, ચેન્નાઇ ઘરઆંગણે હાર્યું
પિચ પર રન બનાવવા મુશ્કેલ હતા
રૂતુરાજ ગાયકવાડે એ પણ સ્વીકાર્યું હતું કે તેમની ટીમ વધુ સારી બેટિંગ કરી શકી હોત. જો સ્કોર 200થી વધુ હોત તો તે પડકારજનક હોત. હાર પર તેણે કહ્યું કે અમે પ્રથમ દાવમાં વધુ સારી બેટિંગ કરી શક્યા હોત. છેલ્લી બે મેચમાં અમે 200-210નો સ્કોર કરવાનો સારો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પીચ પર રન બનાવવા આસાન ન હતા. આ પિચ પર 180 રન સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું.





