IPL Flashback CSK vs LSG : આઈપીએલ 2024ની 34મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 19 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સનો 6 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઇ અને લખનઉ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નાઇ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચો રમાઇ છે. જેમાં 1 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે અને 1 મેચમાં લખનઉનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 210 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 211 અને લોએસ્ટ સ્કોર 205 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. જેમાં એક મેચમાં ચેન્નાઇનો વિજય થયો હતો અને એક મેચ રદ થઇ હતી.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપમાં કેવી હશે ભારતીય ટીમ, આ 4 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત
હોમગ્રાઉન્ડમાં ચેન્નાઇ અને લખનઉનો રેકોર્ડ
ચેન્નાઇ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ એમએ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે, જેમાં ચેન્નાઇનો વિજય થયો છે. બીજી તરફ લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને તે મેચ રદ થઇ હતી.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં લખનઉનો વિજય થયો છે.





