Ravindra Jadeja Out Obstructing The Field : આઈપીએલ 2024માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સ સામે થર્ડ અમ્પાયર દ્વારા ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ (ફિલ્ડિંગમાં અવરોધરૂપ બનવા બગલ) આઉટ આપવામાં આવ્યો હતો. જાડેજાએ આ મેચમાં 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટથી જીતી લીધી હતી.
સેમસને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડની અપીલ કરી હતી
142 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા જાડેજાએ 6 બોલમાં 4 રન કર્યા હતા. તેણે અવેશ ખાનનો બોલ થર્ડ મેન તરફ રમ્યો હતો. આ દરમિયાન બીજો રન લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સામે છેડેથી રુતુરાજ ગાયકવાડે રન લેવાની ના પાડી દીધી હતી. જેથી જાડેજા અડધી પીચેથી પરત ફર્યો હતો. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના વિકેટકિપર સંજુ સેમસન તેને આઉટ કરવા માટે થ્રો કર્યો હતો. જોકે જાડેજા આ થ્રો ની વચ્ચે આવી ગયો હતો. જેથી સેમસને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડની અપીલ કરી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2024, ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય, પ્લેઓફની દાવેદારી મજબૂત બનાવી
ફીલ્ડ અમ્પાયરોએ ટીવી અમ્પાયરનો સંપર્ક કર્યો હતો. ટીવી અમ્પાયર અનિલ ચૌધરીને ત્યારે લાગ્યું કે જાડેજાએ ક્રિઝ સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં થ્રો ની લાઇનમાં આવતા પહેલા બોલને સ્પષ્ટ રીતે જોયો હતો. જોગાનુજોગ જાડેજા પણ બેટિંગ સ્ટ્રીપની વચ્ચે દોડી રહ્યો હતો. જેથી અમ્પાયરે જાડેજાને આઉટ આપ્યો હતો કારણ કે તેને બોલના ટ્રાયજેફ્ટ્રી વિશે ખબર હતી.
શું છે નિયમ
એમસીસીના ક્રિકેટ કાયદા મુજબ લો 37.1.4 માં કહેવામાં આવ્યું છે કે સંદેહથી બચવા માટે, જો અમ્પાયરને લાગે છે કે વિકેટ વચ્ચે દોડતી વખતે બેટ્સમેને કોઈ સંભવિત કારણ વિના તેની દિશા બદલી નાખી છે અને ફિલ્ડરને રન આઉટનો પ્રયાસ કરવામાં અવરોધ ઉભો કર્યો છે. તો અપીલ કરવા પર બેટ્સમેનને આઉટ આપવો જોઈએ. પછી એ જોવાતું નથી કે તે રન આઉટ થાય છે કે નહીં.
આઈપીએલમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનાર જાડેજા ત્રીજો ખેલાડી
આઈપીએલમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનાર રવિન્દ્ર જાડેજા ત્રીજો ખેલાડી બન્યો છે. અન્ય બે ખેલાડીઓ યુસુફ પઠાણ અને અમિત મિશ્રા છે. યુસુફ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતી વખતે 2013માં પૂણે વોરિયર્સ સામે આઉટ થયો હતો. જ્યારે અમિત મિશ્રા 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે આ રીતે આઉટ થયો હતો.