IPL 2024 : દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટર અને નિયમિત કેપ્ટન ઋષભ પંતને તેની ફિટનેસ અંગે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) પાસેથી મંજૂરી મળવાની બાકી છે. આઈપીએલ 22 માર્ચથી શરૂ થશે અને તેને હજુ સુધી એનસીએ તરફથી મંજૂરી ન મળ્યા બાદ આઈપીએલ 2024માં રમવા પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. પંત ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો અને ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે. જોકે આ પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે આઈપીએલ 2024 માં રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઋષભ પંતને એનસીએ પાસેથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી
એક રિપોર્ટ પ્રમાણે ઋષભ પંતને આઇપીએલ 2024માં ભાગ લેવા માટે હજુ સુધી એનસીએ તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. રિપોર્ટ અનુસાર એનસીએના એક્સપર્ટ્સનું માનવું છે કે પંત હજુ મેચ ફિટ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ ટીમ મેનેજમેન્ટનો દાવો છે કે તેમની પાસે આ મામલે વધારે માહિતી નથી. આ ઉપરાંત પંતને હજુ દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો નથી અને તેનું કારણ એનસીએ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ ન મળવાનું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ બીસીસીઆઈને પંતને ટીમમાં વધારાના ખેલાડી તરીકે સામેલ કરવા વિનંતી કરી શકે છે.
આ પણ વાંચો – ધર્મશાળામાં ભારતના ટોપ 5 બેટ્સમેનોએ ફટકારી અડધી સદી, 15 વર્ષ બાદ આવી અનોખી ઘટના બની
પંત ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે
દિલ્હી કેપિટલ્સે સ્પષ્ટ કર્યું કે રિષભ પંત ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે અગાઉ એવા અહેવાલ હતા કે પંત પ્રભાવશાળી ખેલાડીના રૂપમાં કામ કરશે. એવી કોઈ શક્યતા નથી કે તે દિલ્હી માટે વિકેટ કીપિંગ કરે અને સૌરવ ગાંગુલીએ પણ થોડા દિવસો પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે પંત વિકેટની પાછળ ઉભો રહેશે નહીં.
પંતની ફિટનેસની વાત કરીએ તો તે સતત પ્રેક્ટિસ મેચોમાં રમી રહ્યો છે અને સંપૂર્ણ રીતે મેચ ફિટ રહેવા માટે પણ મહેનત કરી રહ્યો છે. તે પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરવા અને પ્રી-સિઝન કેમ્પેઈન માટે પણ ટીમમાં સામેલ થવા ઉત્સુક છે. દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2024માં પોતાની પહેલી મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમશે. ગત સિઝનમાં ડેવિડ વોર્નરે પંતની ગેરહાજરીમાં દિલ્હીની કેપ્ટન્સી સંભાળી હતી.





