robin minz road accident : ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન રોબિન મિન્ઝ આઇપીએલ 2024 પહેલા એક રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 21 વર્ષીય રોબિન મિન્ઝ રવિવારે એક માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે તે પોતાની બાઇક પર હતો. તેની બાઇક અન્ય બાઇક સાથે અથડાઇ હતી. રોબિનના પિતાએ પણ આ ઈજાની પુષ્ટિ કરી છે.
રોબિનને ઘૂંટણમાં ઇજા પહોંચી
જાણકારી પ્રમાણે રોબિનના પિતાએ કહ્યું છે કે તેમના પુત્રની બાઇક અન્ય બાઇક સાથે ટકરાઇ ગઇ છે, હાલ ચિંતાની કોઇ વાત નથી, તે ડોક્ટરોની દેખરેખમાં છે. રોબિનના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ અકસ્માતમાં મિન્ઝની બાઇક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ અકસ્માત બાદ ઝારખંડના આ આશાસ્પદ ખેલાડી માટે આઇપીએલમાં ડેબ્યૂ કરવું મુશ્કેલ છે. આઈપીએલની શરૂઆત 22 માર્ચથી થશે.
હરાજીમાં રોબિન 3.60 કરોડમાં વેચાયો હતો
જણાવી દઈએ કે આઈપીએલની હરાજી દરમિયાન રોબિન મિન્ઝનું નામ ઘણી વખત ચર્ચામાં આવ્યું હતું. તેને ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ 3.60 કરોડમાં ખરીદ્યો હતો. તે ઝારખંડનો એવો પહેલો આદિવાસી ક્રિકેટર છે કે જે આઇપીએલમાં રમવા જઈ રહ્યો છે. આ યુવા ખેલાડી એમએસ ધોનીના રાજ્યનો હોવાને કારણે તેનો ઘણો મોટો ચાહક છે. રોબિનને કોચ ચંચલ ભટ્ટાચાર્યએ કોચિંગ આપ્યું છે.
આ પણ વાંચો – આકાશ અંબાણીએ એમએસ ધોનીને શીખવાડ્યા દાંડિયા રાસ, ડીજે બ્રાવો પણ દેખાયો દેશી સ્ટાઇલમાં
ગિલ મિન્ઝના પિતાને મળ્યા હતો
રોબિન મિન્ઝ ઝારખંડના ગુમલા જિલ્લાના શિમલ ગામનો રહેવાસી છે. તેના પિતા રાંચી એરપોર્ટ પર સિક્યુરિટી ગાર્ડ છે. હાલમાં જ શુભમન ગિલ એરપોર્ટ પર તેના પિતાને મળ્યો હતો. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમવા રાંચી પહોંચી ત્યારે ગિલે મિન્ઝના પિતા સાથે ફોટો પડાવ્યો હતો. રોબિનના પિતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી છે.





