IPL 2024, Gujarat Titans : આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. પ્રથમ મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ 24 માર્ચના રોજ તેની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.આ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હેડ કોચ આશિષ નેહરા, બેટિંગ કોચ અને મેન્ટર ગેરી કર્સ્ટન, ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી અને ટીમના સીઓઓ અરવિંદ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરાએ હાર્દિક અને શમીની ગેરહાજરી વિશે જણાવ્યું હતું કે ટીમમાં આ બન્ને ખેલાડી નથી તે સ્વીકારીને અમે ચાલી રહ્યા છે. તેમના વગર પણ અમારી ટીમ મજબૂત છે. અમારી પાસે ઉમેશ યાદવ, રાશીદ ખાન, સાઈ કિશોર જેવા ઘણા સારા ઓપ્શન છે.
હાર્દિક પંડ્યાના ટીમ છોડવા પર કોચ આશિષ નેહરાએ કહ્યું
હાર્દિક પંડ્યાના ટીમ છોડવા પર કોચ આશિષ નેહરાએ કહ્યું કે મેં ક્યારેય હાર્દિકને રોકવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો નથી. તે તેની જૂની ટીમ સામે જોડાયો છે તે પાંચ છ વર્ષ ત્યાં રમ્યો છે. તેના માટે નવી ચેલેન્જ છે, નવી તક છે. જે રીતે આ રમત આગળ વધી રહી છે, આપણને આવા વધુ ટ્રાન્સફર જોવા મળી શકે છે છીએ. જેમ કે ફૂટબોલના આંતરરાષ્ટ્રીય ક્લબ માર્કેટમાં થાય છે. અમે તેને શુભકામના પાઠવીએ છીએ.
નેહરાના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે હાર્દિક પંડયાને રોકવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો નથી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો – હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન
ગિલને કેપ્ટન તરીકે જોવો રસપ્રદ રહેશે – નેહરા
આ સમયગાળા દરમિયાન શુભમન ગિલને કેપ્ટન બનાવવા પર નેહરાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હું ગિલને કેપ્ટન તરીકે જોવા માટે ઉત્સુક છું. માત્ર હું જ નહીં, પરંતુ આખું ભારત તેને ગુજરાતના કેપ્ટન તરીકે જોવા માંગે છે. નેહરાએ કહ્યું કે ગિલે એક ખેલાડી તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ કેપ્ટન તરીકે તેણે હજુ ઘણું બધું મેળવવાનું બાકી છે.
તેમણે કહ્યું કે તે ટીમ ઇન્ડિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફે તેના પર ભરોસો વ્યક્ત કર્યો હતો. રોબિન મિન્ઝની ઇજા વિશે નેહરાએ જણાવ્યું હતું કે તેની ઇજા પર અમે નજર રાખી રહ્યા છીએ.
આઈપીએલ 2024 માટે ગુજરાતની ટીમ
વિકેટકીપર્સ: મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા), રિદ્ધિમાન સાહા, રોબિન મિન્ઝ.
બેટ્સમેન: શુભમન ગિલ, ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા), અભિનવ મનોહર, કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), સાઇ સુદર્શન.
ઓલરાઉન્ડર : રાશિદ ખાન (અફઘાનિસ્તાન), રાહુલ તેવટિયા, જયંત યાદવ, વિજય શંકર, અઝમાતુલ્લાહ ઉમરજઈ (અફઘાનિસ્તાન), દર્શન નાલકંડે, શાહરૂખ ખાન.
બોલર : ઉમેશ યાદવ, જોશ લિટિલ (આયર્લેન્ડ), આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહમદ (અફઘાનિસ્તાન), સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન (ઓસ્ટ્રેલિયા).





