KKR vs SRH, Kolkata Weather And Pitch Report : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની ત્રીજી મેચ 23 માર્ચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકેથી શરુ થશે. કેકેઆરના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની વાપસી અને એસઆરએચના નવા કેપ્ટન તરીકે પેટ કમિન્સની નિયુક્તિ સાથે બંને ટીમો જીતની દાવેદાર છે. ઈડન ગાર્ડન્સમાં બે મજબૂત ટીમો ટકરાશે ત્યારે ચાહકો રોમાંચક મુકાબલાની અપેક્ષા રાખી શકે છે.
કેકેઆર વિ એસઆરએચ મેચ પિચ રિપોર્ટ અને હવામાન
પોતાના શાનદાર માહોલ અને રોમાંચક ક્રિકેટ માટે જાણીતું ઈડન ગાર્ડન્સ ફરી વખત બેટ્સમેનનું સ્વર્ગ બનવા જઈ રહ્યું છે. બેટ્સમેનોને અહીં રમવાની મજા આવશે. ગત વર્ષે પિચ પર કેટલીક જબરજસ્ત મેચો જોવા મળી હતી. અહીં રમાયેલી 7 મેચમાંથી ચાર વખત ટીમોએ 200 રનનો આંકડો પાર કર્યો હતો. લોએસ્ટ સ્કોર 149 રનનો હતો જે દર્શાવે છે કે બેટ્સમેનો માટે પરિસ્થિતિ કેટલી અનુકૂળ છે.
ટોસ જીતે કે હારે કોઈ ફરક નહીં પડે
ટોસ જીતીને બેટિંગ કે બોલિંગ પસંદ કરવાની વાત કરીએ તો કોઇ પણ ટીમ માટે ચિંતાની વાત નથી. પ્રથમ બેટિંગ કરનારી ટીમો 4 વખત જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમો પણ ત્રણ વખત જીતી ચૂકી છે. આ બાબત સૂચવે છે કે, આખી મેચ દરમિયાન પીચ લગભગ એક સરખું જ વર્તન કરે છે. આ કારણે બેટીંગ અને બોલિંગ બંને એકમોને યોગ્ય તક મળે છે.
આ પણ વાંચો – ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા
વરસાદની કોઈ સંભાવના નહીં, હવામાન સાફ રહેશે: રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની ત્રીજી મેચ દરમિયાન કોલકાતાનું હવામાન ચોખ્ખુ રહેવાની આશા છે. તાપમાન 20થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે, ક્રિકેટ માટે યોગ્ય પરિસ્થિતિ છે. વરસાદ પડવાની પણ કોઈ શક્યતા નથી, તેથી પૂરી 40 ઓવરની રમતની અપેક્ષા રાખી શકીએ છીએ. ભેજનું પ્રમાણ 70 થી 80 ની વચ્ચે રહેશે. એ જોવું રસપ્રદ રહેશે કે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ઘરઆંગણે પ્રેક્ષકોની સામે કેવું પ્રદર્શન કરે છે.
ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચના આંકડા પર એક નજર
- કુલ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ: 11
- પ્રથમ બેટિંગ કરતા મેચ જીતીઃ 5
- પ્રથમ બોલિંગમાં મેચ જીતી : 6
- પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: 155
- બીજા દાવનો સરેરાશ સ્કોર: 137
- હાઈએસ્ટ સ્કોર રેકોર્ડ : બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો સ્કોર 201/5
- લોએસ્ટ સ્કોર રેકોર્ડ: ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો સ્કોર 70/10
- ચેઝ કરતી વખતે સૌથી વધુ સ્કોર: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સ્કોર 162/4





