Who is Sanjiv Goenka, LSG Owner: આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે લખનઉ સુપરજાયન્ટ્સનો કારમો પરાજય દરેક જગ્યાએ ચર્ચામાં છે. આ સિવાય લખનઉ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કાની જાહેરમાં મેદાન પર પર થયેલી વાતચીત પણ ચર્ચા છે. સોશિયલ મીડિયા સાઇટ એક્સ (ટ્વિટર) પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સંજીવ ગોએન્કા ગુસ્સામાં કેએલ રાહુલ સાથે વાત કરતા જોઇ શકાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો સંજીવ ગોએન્કાની ઘણી ટીકા કરી રહ્યા છે અને તેઓ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર/બેટ્સમેનની તરફેણ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સંજીવ ગોએન્કા કોણ છે? આવો તમને સ્પોર્ટ્સ સાથે ખાસ લગાવ ધરાવતા સંજીવ ગોએન્કાના બિઝનેસ કરિયર વિશે જણાવીએ.
કોણ છે સંજીવ ગોએન્કા?
સંજીવ ગોએન્કા આરપીએસજી (સંજીવ ગોએન્કા ગ્રુપ) ગ્રુપના ચેરમેન છે અને તેમની કંપનીમાં 50 હજારથી વધુ કર્મચારીઓ છે. કંપની દુનિયાભરમાં કાર્બન બ્લેક, પાવર, આઇટી, રિટેલ પ્રોડક્ટ્સ, મીડિયા એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વેપાર કરે છે. આ ઉપરાંત તે આઈઆઈટી ખડગપુરના બોર્ડ મેમ્બર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
ગોએન્કા કોલકાતાના વતની છે અને તેમણે 1981માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીકોમની ડિગ્રી મેળવી હતી. તેમના પત્ની પ્રીતિ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેમને બે બાળકો છે, શાશ્વત અને અવર્ણા. તેમના ભાઈ હર્ષ ગોએન્કા છે જે પોતે પણ એક બિઝનેસ ટાયકૂન છે.
દિલ્હીના લુટિયન્સમાં છે બંગલો
દેશના ટોચના બિઝનેસ ટાયકૂનમાંથી એક એવા સંજીવ ગોએન્કાનો દિલ્હીના સૌથી મોંઘા લુટિયન્સમાં બંગલો છે. તેની ગણતરી રાજધાની દિલ્હીના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. સંજીવ ગોએન્કાનો કોલકાતામાં પણ એક આલીશાન બંગલો છે. આ બંગલો તેમના જન્મના 53 વર્ષ પહેલા તેમના દાદા બદ્રીદાસ ગોએન્કાએ બનાવ્યો હતો. આ ઘર દક્ષિણ કોલકાતાના અલીપુર નજીક એક એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપની બધી મેચો મફતમાં જોઇ શકશો, અહીં વાંચો બધી ડિટેલ્સ
સંજીવ ગોએન્કા 2021માં આઇપીએલની લખનઉ ફ્રેન્ચાઇઝીના અધિગ્રહણથી ચર્ચામાં આવ્યા હતા. તેમણે આ બોલીમાં લખનઉની ટીમને ખરીદવામાં રસ દાખવનાર ગૌતમ અદાણીને હરાવ્યા હતા. તેમણે 7000 કરોડ રૂપિયા સાથે જીત માટે બોલી લગાવી હતી. જ્યારે અદાણી દ્વારા 5100 કરોડની ઓફર કરવામાં આવી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે સંજીવ ગોએન્કાએ લખનઉની ટીમને ખરીદવા માટે જે પૈસા ખર્ચ્યા હતા તે મુકેશ અંબાણીએ મુંબઇ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી માટે રોકેલા પૈસા કરતા 9 ગણા વધારે હતા.
સંજીવ ગોએન્કા નેટવર્થ
સંજીવ ગોએન્કાની રુચિ અલગ અલગ બિઝનેસમાં છે અને તેથી જ તેમની કંપનીનો બિઝનેસ પોર્ટફોલિયો એકદમ વૈવિધ્યસભર છે. તે સુપરમાર્કેટ ચેન Spencer’s ની સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તે Too Yumm અને પબ્લિકેશન Open મેગેઝિન સાથે પણ કનેક્શન ધરાવે છે. આ તમામ વેન્ચર્સ અને કંપનીઓ દ્વારા તે કરોડોની કમાણી કરે છે. ફોર્બ્સ અનુસાર સંજીવ ગોએન્કાની કુલ સંપત્તિ 3.4 બિલિયન ડોલર છે. તેઓ દેશના 84માં સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 949માં ક્રમે છે.
ગોએન્કાનો સ્પોર્ટ્સમાં રહ્યો છે રસ
સંજીવ ગોએન્કા મહારાષ્ટ્રની ટીમ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ (આરપીએસ) સાથે આઈપીએલમાં જોડાય હતા. આ ટીમની શરૂઆત 2015માં થઈ હતી અને પછી 2017માં તેને બંધ કરી દેવામાં આવી હતી. આ સિવાય તેમણે એટ્લેટિકો ડી કોલકાતા અને લિજેન્ડરી કોલકાતા ક્લબ મોહન બાગનના મર્જર થવા પર હસ્તગત કરી લીધી અને ત્યારબાદ ક્લબ મોહન બાગાન સુપરજાયન્ટ્સ બની હતી.
જ્યારે સંજીવ ગોએન્કાએ ધોનીને કેપ્ટનશિપમાંથી હટાવી દીધો હતો
રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સની માલિકી સંજીવ ગોએન્કાના આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપ પાસે હતી. 18 જાન્યુઆરી 2016ના રોજ કોલકાતામાં તેમણે ટીમનું નામ જાહેર કર્યું અને રઘુ ઐયરને સીઈઓ બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન બન્યો હતો. પરંતુ પછીના વર્ષે અચાનક બધું બદલાઈ ગયું અને ટીમનું નામ અને કેપ્ટન પણ નવા આવી ગયા હતા. ટીમના માલિકોએ 19 ફેબ્રુઆરી 2017ના રોજ અચાનક ધોનીને કેપ્ટનશિપમાંથી હટાવી દીધો હતો અને ત્યારબાદ 26 માર્ચ 2017ના રોજ ટીમનું નામ બદલવામાં આવ્યું હતું.





