IPL Flashback LSG vs GT : આઈપીએલ 2024ની 20મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 7 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે લખનઉના એકેડા સ્ટેડિયમમાં રમાશે. લખનઉની ટીમ આ સિઝનમાં ત્રણ મેચ રમી છે અને 2 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. જ્યારે ગુજરાતની ટીમનો 4 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને લખનઉ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ગુજરાતનો દબદબો જોવા મળે છે.
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં બધી જ 4 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. એટલે કે લખનઉ ગુજરાત સામે એકપણ મેચ જીતી શક્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 227 અને લોએસ્ટ સ્કોર 135 રન છે. જ્યારે લખનઉનો હાઇએસ્ટ સ્કોર 171 અને લોએસ્ટ સ્કોર 82 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો હતો.
આ પણ વાંચો – કોણ છે અંગક્રિષ રઘુવંશી, દિલ્હી સામે આક્રમક અડધી સદી ફટકારી આવ્યો છે ચર્ચામાં
હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને લખનઉનો રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 1 મેચ રમાઇ છે અને આય મેચમાં ગુજરાતનો વિજય થયો છે. બીજી તરફ લખનઉના એકાના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાંગુજરાતનો વિજય થયો છે. હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે અને બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો છે.
એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ રિપોર્ટ
ખાસ કરીને સ્પિનરો માટે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચને બોલિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. સ્પિનરોનો પ્રભાવ ઘણીવાર મેચનો માર્ગ નક્કી કરે છે. આવી સ્થિતિમાં અહી બેટીંગ કરવી સરળ નહી રહે, કારણ કે કાળી માટી ધરાવતી પીચ પર બોલની પકડ બને છે અને તે ધીમી ગતિથી આવે છે. જોકે જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પીચ સમતલ થતી જાય છે, જેના કારણે બેટિંગ કરવી સારી બનતી જાય છે. પીચના દેખાવમાં આવેલો આ ફેરફાર ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે