IPL 2024 : ભારતીય ક્રિકેટ ટીમને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો નથી પણ આઈપીએલમાં સતત રમી રહ્યો છે અને ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે. ગત દિવસોમાં ધોની પોતાના નવા લૂકને લઇને ઘણો ચર્ચામાં આવ્યો હતો. આ પછી બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીની સાથે જોડાયેલી ઘણી વાતો પર ચર્ચા કરી હતી અને સાથે પોતાની ફિટનેસ વિશે પણ બધાને અપડેટ કર્યા હતા.
ધોનીએ ફિટનેસ પર આપી અપડેટ
આઈપીએલ 2023માં એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં સીએસકેને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તે સતત ઘૂંટણના દર્દથી પરેશાન જોવા મળતો હતો. પરેશાની છતા તે આખી ટૂર્નામેન્ટ રમ્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. આ વર્ષે ચેમ્પિયન બન્યા પછી તેણે પોતાના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. બેંગલુરુમાં તેણે જણાવ્યું કે તેનું ઘૂંટણ ક્યારે પુરી રીતે ઠીક થઇ જશે. ધોનીએ જણાવ્યું કે હાલ ઘૂંટણ પુરી રીતે ઠીક નથી અને ડોક્ટર્સે કહ્યું છે કે નવેમ્બર સુધી તેનું ઘૂંટણ ઘણું સારું થઇ જશે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલ : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ નવમાં સ્થાને, જાણો અન્ય ટીમોની કેવી છે સ્થિતિ
ધોની જો પુરી રીતે ફિટ થઇ જશે તો એવું માનવામાં આવી રહ્યું છે કે આઈપીએલ 2024માં ફરીથી ચેન્નઇ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. બેંગલુરુમાં જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે ભારતના વર્લ્ડ કપ જીતવાની કેટલી સંભાવના છે. તો તેણે સ્પષ્ટ રીતે કહ્યું કે ટીમ સંતુલિત જોવા મળી રહી છે. બધું ઘણું સારું લાગી રહ્યું છે અને હું એટલું કહીશ કે સમજદારને ઇશારો જ કાફી છે.
IPL 2024ની હરાજી 18 અને 19 ડિસેમ્બરે થઈ શકે છે
IPL 2024ની હરાજી અંગે ફ્રેન્ચાઈઝીઓને કોઈ ઔપચારિક માહિતી મોકલવામાં આવી નથી પરંતુ ક્રિકબઝ (Cricbuzz) અનુસાર તેનું આયોજન દુબઈમાં થઈ શકે છે. બીસીસીઆઈએ આ માટે 15 થી 19 ડિસેમ્બરનો સમય રાખ્યો છે પરંતુ સંભાવના છે કે તે 18 અને 19 ડિસેમ્બરે થઈ શકે છે. ગયા વર્ષે બીસીસીઆઈ IPL 2023ની હરાજી ઈસ્તાંબુલમાં યોજવા માંગતી હતી પરંતુ પછી તે કોચીમાં યોજાઈ હતી.





