mayank yadav journey : આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ્સનો મયંક યાદવ પોતાની ફાસ્ટ બોલિંગના કારણે છવાઇ ગયો છે. મયંકે ડેબ્યૂ મેચમાં જ પંજાબ કિંગ્સ સામે 3 વિકેટ ઝડપી હતી. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે તે 150 kph કરતા વધારે ઝડપી બોલ ફેંકે છે. તેણે આરસીબી સામે 156.7 કિમીની ઝડપે બોલ ફેંક્યો હતો. મયંકને ભારતનો ભવિષ્યનો શાનદાર ફાસ્ટ બોલર ગણવામાં આવી રહ્યો છે.
મયંક ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે. તે ક્યારેય દિલ્હી માટે અંડર-14 અને અંડર-16 ક્રિકેટ રમ્યો નથી પણ દિવંગત તારક સિન્હાએ તેની પ્રતિભા જોઈ અને તેને રાજધાની એક્સપ્રેસ બનવામાં મદદ કરી હતી. તારક સિન્હાએ ભારતીય ક્રિકેટને ઋષભ પંત જેવો ખેલાડી આપ્યો છે. સોનેટ ક્લબ ચલાવતા દવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ઉસ્તાદ જી (તારક સિન્હા) કોઇને એક નજરમાં જોઇ લે તે જ પર્યાપ્ત હતું. ઋષભ સાથે જે થયું તે મયંક સાથે થયું.
દેવેન્દ્રએ જણાવ્યું હતું કે 2020માં દિલ્હી માટે અંડર-19 ટ્રાયલ્સ પહેલા મયંકથી કેવી રીતે તારક સિન્હા નારાજ હતા, કારણ કે તેણે સર્વિસિસ તરફથી રમવાની ઓફરને નકારી કાઢી હતી.
મયંક યાદવએ સર્વિસિસ ઓફર ફગાવી દીધી હતી
દેવેન્દ્રએ કહ્યું કે તે દિલ્હીની ટીમમાં જગ્યા બનાવી શક્યો નહીં. સર્વિસિસ તેને નોકરીની ઓફર કરી રહી હતી અને વચન આપ્યું હતું કે તેને ત્રણેય ફોર્મેટમાં રમવાની તક મળશે, પરંતુ મયંકે આ ઓફર ઠુકરાવી દીધી હતી. મયંકે દિગ્ગજ કોચને વાયદો કર્યો હતો કે તે દિલ્હીની ટીમમાં સ્થાન બનાવશે. દુર્ભાગ્યથી તારક સિન્હાનું નવેમ્બર 2021માં કોવિડની બીજી લહેરમાં અવસાન થયું હતું.
આ પણ વાંચો – અમદાવાદ અને કોલકાતામાં રમાનાર એક-એક મેચની તારીખ બદલાઈ, જાણો કેમ
મયંક યાદવના ડેબ્યૂના એક મહિના પહેલા જ તારક સિન્હાનું નિધન થયું હતું
એક મહિના બાદ મયંક યાદવએ ચંદીગઢના સેક્ટર 16 સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી બે ઓવરમાં 12 રનની જરૂર હતી, પરંતુ મયંકે 49મી ઓવરમાં મેડન ઓવર ફેંકીને મેચ પોતાના નામે કરી લીધી હતી. મયંકે કહ્યું કે જ્યારે સર્વિસિસ વાળાએ મને કહ્યું કે મારી પસંદગી થઈ ગઈ છે ત્યારે હું ભાગી ગયો હતો. હું મારું 50 ટકા પણ આપી રહ્યો ન હતો, પણ મેં ત્રણ-ચાર બાઉન્સર ફેંક્યા અને તેઓ પ્રભાવિત થયા હતા. પરંતુ હું દિલ્હી માટે રમવા માંગતો હતો. સર, હું દિલ્હીનો છોકરો છું અને મારે અહીંથી જ રમવું હતું. તારક સર ખૂબ ગુસ્સે થયા હતા.
જ્યારે તારક સિન્હાએ મયંક યાદવની ફી ભરી હતી
મયંકના પિતા પ્રભુ યાદવ પોતાના પુત્રના કરિયરમાં તારક સિન્હાના રોલ વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તારક સર ભગવાન છે. એક વર્ષ મારો ધંધો સારો ચાલતો ન હતો. ઉનાળાની રજાઓમાં સોનેટ કેમ્પ યોજતી હતી અને તેની ફી 65,000 રૂપિયા હતી. મેં દેવેન્દ્રજીને વિનંતી કરી હતી કે હું તે પછીથી ચૂકવીશ અને તેમણે ઉસ્તાદજીને તેના વિશે જાણ કરી હતી. મારી પાસે 20,000 રૂપિયા હતા અને જેવું મેં મારું પાકીટ ખોલ્યું કે તરત જ સિન્હા સાહેબ આવ્યા અને કહ્યું કે આ વર્ષની ફી મારા તરફથી. તેમણે જે કહ્યું તે હું ક્યારેય નહીં ભૂલું.





