IPL Flashback MI vs CSK : આઈપીએલ 2024ની 29મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 14 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં 5 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સનો 5 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો મંબઈનો દબદબો જોવા મળે છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને ચેન્નાઇ વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 16 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 219 અને લોએસ્ટ સ્કોર 136 રન છે. જ્યારે ચેન્નાઇનો હાઇએસ્ટ સ્કોર 218 અને લોએસ્ટ સ્કોર 79 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેમાં ચેન્નાઇનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024માં ગ્લેન મેક્સવેલનો 1 રન 19 લાખમાં પડ્યો, 12 સિઝનમાં સાતમી વખત કર્યા નિરાશ
હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને ચેન્નાઈનો રેકોર્ડ
મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં મુંબઈનો અને 5 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. બીજી તરફ ચેન્નાઇના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં મુંબઈનો 5 મેચમાં અને ચેન્નાઇનો 3 મેચમાં વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો મુંબઈ અને ચેન્નાઇ વચ્ચે 16 મેચો રમાઇ છે. જેમાં 9 મેચમાં મુંબઈનો અને 7 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે.