Hardik Pandya IPL 2024 Mini Auction: આઈપીએલની આગામી સિઝન માટે મિની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાનુ છે. તેની પહેલા, તમામ ફ્રેન્ચાઇઝીઓને તેમના ખેલાડીઓને જાળવી રાખવા અને છોડવા માટે 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન IPLના ઈતિહાસની સૌથી મોટી ડીલના સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મુંબઈએ હાર્દિકને 15 કરોડ આપીને ખરીદ્યો! (Hardik Pandya Auction Price Money)
ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યાને લઈને ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મોટી ડીલ થઇ છે. એવા સમાચાર છે કે મુંબઈ ટીમે તેમના જૂના ખેલાડીને પરત મેળવવા માટે ગુજરાત ટાઇટન્સને 15 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ રકમ સંપૂર્ણપણે રોકડમાં આપવામાં આવી છે. આ ડીલની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે આ સૌથી મોટો પ્લેયર ટ્રેડ હશે.
હાર્દિક પંડ્યા ટ્રેડ થનાર ત્રીજા કેપ્ટન હશે
IPL 2023ની હરાજી પછી, મુંબઈ ઈન્ડિયન્સ પાસે તેમના પર્સમાં માત્ર રૂ. 0.05 કરોડ (અંદાજે $6000) બચ્યા હતા. ફ્રેન્ચાઇઝીને આગામી હરાજી માટે વધારાના 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને ફ્રેન્ચાઇઝીએ હાર્દિકને ટીમમાં પરત લાવવા માટે સંપૂર્ણ રકમનો ઉપયોગ કર્યો છે. જો આ ડીલ મુંબઈ અને ગુજરાત વચ્ચે થાય છે, તો અશ્વિન પંજાબ કિંગ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં અને અજિંક્ય રહાણે પણ રાજસ્થાનમાંથી દિલ્હી કેપિટલ્સમાં શિફ્ટ થયા પછી હાર્દિક ત્રીજા કેપ્ટન હશે.
આ પણ વાંચો| સાઉદી અરેબિયાને IPLમાં રસ, 42 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા માંગે છે
હાર્દિકે પોતાની કારકિર્દીની શરૂઆત મુંબઈથી જ કરી હતી
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. હાર્દિક 6 વર્ષ મુંબઈ સાથે રમ્યો હતો. તે પછી, તેણે 2022માં ગુજરાત ટાઇટન્સ સાથે તેની પ્રથમ સિઝન રમી અને પ્રથમ સિઝન જીતી. 2023ની સિઝનમાં પણ હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ગુજરાત ટાઇટન્સ 2022 અને 2023 સિઝનમાં લીગ સ્ટેજમાં ટોચ પર રહી હતી.





