IPL 2024 : આઈપીએલની નવી સિઝનના પ્રારંભ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડયાએ હેડ કોચ માર્ક બાઉચર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે રોહિત શર્મા સાથે પોતાના સંબંધોની વાત કરી હતી. કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઓલરાઉન્ડરે તેના વિશે પણ દિલ ખોલીને વાત કરી હતી.
હાર્દિક પંડ્યાને વિશ્વાસ છે કે રોહિતનો સાથ મળશે
હાર્દિક પંડ્યાએ કહ્યું કે કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા સાથેના સંબંધોમાં કોઈ અસહજતા થઇ હોય તેવું તેને લાગતું નથી. હાર્દિકે કહ્યું કે કશું જ અલગ નહીં હોય. જ્યારે પણ મને મદદની જરૂર પડશે ત્યારે તે ત્યાં સાથે જ હશે. જેમ કે હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે તે ભારતીય કેપ્ટન છે. મેં મારી લગભગ આખી કારકિર્દી તેની કેપ્ટન્સી હેઠળ પસાર કરી છે. મને નથી લાગતું કે ત્યાં કોઈ અસહજતા થશે. ટીમે તેમની કેપ્ટનશિપ હેઠળ જે મેળવ્યું તેને જ આગળ વધારવા માંગું છું.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઇટન્સ છોડવા પર ટીમના કોચ આશિષ નેહરાએ આપ્યો આવો જવાબ
હાર્દિક પંડ્યા અને બાઉચરે આ સવાલનો જવાબ આપ્યો નહીં
આ દરમિયાન એક પત્રકારે સવાલ કર્યો હતો કે મેનેજમેન્ટે રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય કેમ લીધો? આ સવાલના જવાબમાં માર્ક બાઉચર કે હાર્દિક પંડયાએ કશું કહ્યું ન હતું. માર્ક બાઉચરે માઈક ઉપાડ્યું પણ પછી માથું હલાવીને જવાબ આપવાની ના પાડી દીધી. આ સવાલ બાદ હાર્દિક હસતો જોવા મળ્યો હતો.
હાર્દિકે ટ્રોલિંગને લઇને પણ આપ્યો જવાબ
હાર્દિકે અહીં ટ્રોલિંગનો પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે મને ખબર હતી કે આવું જ થવાનું છે. રોહિતે એક સામ્રાજ્ય ઊભું કર્યું છે. હું ચાહકોની લાગણીઓનો આદર કરું છું પરંતુ મારા હાથમાં જે છે તેને જ હું નિયંત્રિત કરી શકું છું. હું તેમનો આદર કરું છું પરંતુ મારું ધ્યાન મારા કામ પર રહેશે. હાર્દિકે એમ પણ કહ્યું કે તેણે રોહિત શર્મા સાથે અત્યાર સુધી વધારે વાત કરી નથી. રોહિત ક્રિકેટના કારણે ઘણો ટ્રાવેલ કરી રહ્યા છે. રોહિત જ્યારે પણ ટીમ સાથે જોડાશે ત્યારે હું તેમની સાથે વાત કરીશ.





