IPL 2024 : ગત વર્ષે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હક અને આરસીબી તરફથી રમતા વિરાટ કોહલી વચ્ચેનો ઝઘડો ચર્ચામાં રહ્યો હતો. કોહલી અને નવીન વચ્ચેની આ લડાઈ પાછળથી કોહલી વિરુદ્ધ ગૌતમ ગંભીરની બની ગઇ હતી અને ભારતીય ક્રિકેટના આ બે મોટા નામો મેદાન પર એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. જોકે આ ઝઘડાનો અંત વર્લ્ડ કપ 2023માં ત્યારે આવ્યો જ્યારે ભારતની અફઘાનિસ્તાન સાથે મેચ હતી.
હું મારા તરફથી ઝઘડો શરૂ નથી કરતો- નવીન
નવીન ઉલ હકે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિરાટ સાથેની આ લડાઈને લઈને ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા છે. Zalmi TV ને આપેલા ઈન્ટરવ્યુમાં નવીન-ઉલ-હકે જણાવ્યું છે કે તેણે પોતાની સમગ્ર ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય પણ પોતાના તરફથી કોઈની સાથે ઝઘડો કર્યો નથી. નવીન-ઉલ-હકે કહ્યું છે કે તે પોતાના તરફથી ક્યારેય લડાઈ શરૂ નથી કરતો, પરંતુ જ્યારે વિપક્ષી ટીમ દ્વારા તેને ચીડવવામાં આવે છે, ત્યારે તે પોતાની રોકી શકતો નથી. નવીને કોહલી પર લડાઇ શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે તેણે વિરાટના વખાણ પણ કર્યા છે.
લખનઉમાં આરસીબીના ખેલાડીઓએ સ્લેજિંગ કર્યું હતું- નવીન
નવીન ઉલ હકે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે બેંગલુરુમાં અમારી મેચ રમવા ગયા હતા અને ત્યાંથી જ આ બધું શરૂ થઈ ગયું હતું. અમે તે મેચ જીતી લીધી હતી. ખૂબ જ રોમાંચક મેચમાં અમે છેલ્લા બોલ પર જીત મેળવી હતી. આ મેચમાં વિજયી રન બનાવનાર અમારા એક ખેલાડી (અવેશ ખાન)એ ઉત્સાહમાં આવીને હેલ્મેટ ફેંકી દીધું હતું. કદાચ કોહલીને તે પસંદ આવ્યું હોય નહીં હોય. આ પછી તેમની ટીમ લખનઉ આવી હતી. હું નંબર 9 કે 10 પર બેટિંગ કરતો હતો અને અમે મેચ હારી ગયા હતા. પછી મારી સાથે સ્લેજિંગ કર્યું હતું.
આ પણ વાંચો – ગુજરાત ટાઇટન્સનો ક્રિકેટર રોબિન મિન્ઝ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, હરાજીમાં 3.60 કરોડમાં ખરીદ્યો હતો
અફઘાનિસ્તાનના બોલરે સિરાજ અને કોહલીનું નામ લીધું
નવીન-ઉલ-હકે વધુમાં કહ્યું કે અમે તે મેચમાં હારી ગયા હતા અને મને અપેક્ષા ન હતી કે મારી સ્લેજિંગ કરવામાં આવશે, પરંતુ જ્યારે મારી સાથે આવું થયું ત્યારે હું પણ મારી જાતને રોકી શક્યો નહીં અને મેં તેનો જવાબ આપ્યો. મેચ પૂરી થયા બાદ હેન્ડશેક દરમિયાન પણ સ્લેજિંગ ચાલુ રહી હતી. નવીન-ઉલ-હકે આ સમયગાળા દરમિયાન ખુલ્લેઆમ વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજનું નામ લીધું હતું. તેણે કહ્યું કે આ બંને તેને સ્લેજિંગ કરી રહ્યા હતા.
ક્યારે થયો વિવાદનો અંત
નવીન-ઉલ-હકે વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપમાં વિરાટ સાથે આ વિવાદનો અંત આવ્યો હતો. તે પછી અમે ભારતમાં ટી -20 શ્રેણી પણ રમ્યા હતા. નવીને જણાવ્યું કે વર્લ્ડ કપમાં ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન સામે હતી. જ્યારે રોહિતની વિકેટ પડી ત્યારે વિરાટ મેદાનમાં આવી રહ્યો હતો અને હું લોંગ ઓન ફિલ્ડિંગ કરવા જઇ રહ્યો હતો ત્યારે કોહલી મારી પાસે આવ્યો અને ઝઘડાનો અંત લાવ્યો હતો અને કહ્યું કે ચાલો બધું જ પૂરું કરીએ, જે બન્યું તે ભૂલી જઇએ છીએ. નવીને કહ્યું કે કોહલીએ મેચ પૂરી થયા પછી પણ મારી સાથે વાત કરી હતી.





