IPL Flashback KKR vs RR : આઈપીએલ 2024ની 70મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 19 મે ના રોજ સાંજે 7.30 કલાકે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 13 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 13 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. આઈપીએલમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચો રમાઇ છે. જેમાં 14 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 224 અને લોએસ્ટ સ્કોર 81 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે રાજસ્થાનનો વિજય થયો હતો.
આ પણ વાંચો – IPL 2024માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન, સ્ટ્રાઈક રન રેટ પર એક નજર
હોમગ્રાઉન્ડમાં રાજસ્થાન અને કોલકાતાનો રેકોર્ડ
કોલકાતા નાઇટ રાઇડર્સના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં કોલકાતાનો અને 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ રાજસ્થાનના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 6 મેચ રમાઇ છે. જેમાં રાજસ્થાનનો 3 મેચમાં અને કોલકાતાનો 3 મેચમાં વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો રાજસ્થાન અને કોલકાતા વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં કોલકાતાનો અને 7 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.





