IPL Flashback SRH vs MI : આઈપીએલ 2024ની આઠમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 27મી માર્ચના રોજ સાંજે 7.30 કલાકે હૈદરાબાદમાં રમાશે. આઈપીએલ 2024માં બન્ને ટીમ એક-એક મેચ રમી ચુકી છે અને બન્ને ટીમનો પ્રથમ મેચમાં પરાજય થયો છે. એટલે બન્ને ટીમ પોતાની પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે. આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે મુંબઈનું પલડું ભારે છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચો રમાઇ છે. જેમાં 12 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.
આ પણ વાંચો – આઈપીએલમાં ગુજરાત વિ. સીએસકે વચ્ચે કોનું પલડું છે ભારે, જાણો રેકોર્ડ
છેલ્લી પાંચ મેચની વાત કરવામાં આવે તો મુંબઈનો દબદબો જોવા મળ્યો છે. છેલ્લી 5 મેચમાંથી મુંબઈનો 4 મેચમાં વિજય થયો છે. એક મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. આઈપીએલ 2023ની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ હતી અને બન્ને મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો હતો.
હૈદરાબાદના સ્ટેડિયમમાં મુંબઈ અને હૈદરાબાદ ટક્કર
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં મુંબઈનો અને 4 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.
હૈદરાબાદ પિચ રિપોર્ટ
હૈદરાબાદ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ફ્લેટ વિકેટ્સ માટે જાણીતું છે. પિચ ફ્લેટ રહેતી હોવાથી બેટ્સમેનો માટે વધુ અનુકૂળ રહે છે અને રન આસાનીથી બને છે. પિચ ફ્લેટ રહેતી હોવાથી પેસર ને ખાસ મદદ મળતી નથી પરંતુ સ્પિનર્સ ને ફાયદો મળી શકે છે. સ્પિનર્સ બોલને ટર્ન કરાવી શકે તો વિકેટ મળી શકે છે.





