Travis Head fourth fastest century : સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ આરસીબી સામે આક્રમક બેટિંગ કરીને સદી ફટકારી હતી. હેડે ટીમની નબળી બોલિંગનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો હતો. મેદાન પર આવતાની સાથે જ હેડ જબરદસ્ત અંદાજમાં બેટિંગ કરી હતી અને દરેક દિશામાં જોરદાર શોટ્સ લગાવ્યા હતા. તેણે આરસીબી સામે આઈપીએલ 2024ની 30મી મેચમાં સદી ફટકારી હતી. આ હેડની આઈપીએલ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી છે. હેડે 41 બોલમાં 8 સિક્સર અને 9 ફોરની મદદથી 102 રન બનાવ્યા હતા.
હેડે આઈપીએલમાં પ્રથમ સદી ફટકારી
ટ્રેવિસ હેડે આરસીબી સામેની આ મેચમાં 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદીની ઈનિંગ્સ દરમિયાન તેણે 5 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. તેણે પાવરપ્લે એટલે કે 6 ઓવરની અંદર જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી પણ આક્રમક બેટીંગ યથાવત્ રાખતા 39 બોલમાં ફોર સાથે સદી પુરી કરી હતી.
હેડે 39 બોલમાં સદી ફટકારીને એબી ડિવિલિયર્સ અને ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો છે. તે આ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. 2013માં ગેઇલે 30 બોલમાં સદી ફટકારી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2024માં ગ્લેન મેક્સવેલનો 1 રન 19 લાખમાં પડ્યો, 12 સિઝનમાં સાતમી વખત કર્યા નિરાશ
આઈપીએલમાં સૌથી ઝડપી સદી
- 30 બોલ – ક્રિસ ગેઇલ
- 37 બોલ – યુસુફ પઠાણ
- 38 બોલ – ડેવિડ મિલર
- 39 બોલ – ટ્રેવિસ હેડ
- 42 બોલ – એડમ ગિલક્રિસ્ટ
- 43 બોલ – એબી ડિવિલિયર્સ
- 43 બોલ – ડેવિડ વોર્નર
ટ્રેવિસ હેડને 2016માં આઈપીએલમાં એન્ટ્રી આપવામાં આવી હતી અને તે 2017માં પણ આ લીગમાં રમ્યો હતો. જોકે આ પછી કોઇ ટીમે તેને ખરીદ્યો ન હતો. પરંતુ 2024ની હરાજીમાં હૈદરાબાદે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તે 8 વર્ષ બાદ ફરી આ લીગમાં રમી રહ્યો છે અને ખતરનાક બેટિંગ કરી રહ્યો છે.





