IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. હરાજી પહેલા મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન્સી પણ સોંપવામાં આવી હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહ અને ટીમ વચ્ચેનો વિખવાદ પણ ચર્ચાનું કારણ બન્યો હતો.
હાર્દિક પંડયાની વાપસી બાદ જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર વફાદારી અંગે પોસ્ટ કરી હતી, જેના કારણે વિવાદ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે બુમરાહ હાર્દિકના ટીમમાં આવવાથી ખુશ નથી. જોકે જસપ્રીત બુમરાહ હજુ પણ ટીમનો ભાગ છે. ટીમના પૂર્વ ખેલાડી પાર્થિવ પટેલે મોટો ખુલાસો કર્યો હતો કે મુંબઈ ઈન્ડિયન્સ એક સમયે જસપ્રીત બુમરાહને ટીમની બહાર કરવા ઈચ્છતી હતી.
આઈપીએલમાં બુમરાહની શરૂઆત સારી રહી ન હતી
પાર્થિવ પટેલે જિયોસિનેમા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે જસપ્રીત બુમરાહને ટીમમાંથી બહાર કરવાની વાત ચાલી રહી હતી, ત્યારે તત્કાલીન કેપ્ટન રોહિત શર્માએ આ ફાસ્ટ બોલરનું સ્થાન બચાવ્યું હતું. જસપ્રીત બુમરાહ 2013માં મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો હતો. શરુઆતમાં તે ખાસ અસરકારક સાબિત થયો નથી. 2013માં બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. 2014માં તેણે 5 વિકેટ ઝડપી હતી. 2015ની ચાર મેચમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્માએ બુમરાહનું સ્થાન બચાવ્યું
પાર્થિવ પટેલે કહ્યું કે 2015માં બુમરાહ ટીમમાં નવો હતો. તેનો દેખાવ સારો રહ્યો ન હતો અને આ કારણે જ ટીમ તેને બહાર કરવા માંગતી હતી. રોહિત શર્માએ બુમરાહ પર ભરોસો બતાવ્યો અને તેને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. એ પછીની સિઝનમાં અમે પરિણામ પણ જોયું હતું. જસપ્રીત બુમરાહે 2016માં 14 મેચ રમી હતી અને તેને 15 વિકેટ મળી હતી.
બુમરાહ આઈપીએલમાં અત્યાર સુધી 120 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના નામે 145 વિકેટ છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2020માં રહ્યું હતું જ્યારે તેણે 15 મેચમાં 27 વિકેટ ઝડપી હતી.





