IPL Flashback RR vs DC : આઈપીએલ 2024ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 28મી માર્ચના રોજ સાંજે 7.30 કલાકે જયપુરમાં રમાશે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મેચમાં પરાજય થયો હતો. દિલ્હી પોતાની પ્રથમ જીત મેળવવા માટે પ્રયત્ન કરશે. આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમો બરાબરી પર છે.
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 27 મુકાબલા થયા છે. જેમાં 14 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 60 રન છે. છેલ્લી જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે રાજસ્થાનનો વિજય થયો હતો.
આ પણ વાંચો – સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો, આઈપીએલમાં હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો
જયપુરમાં રાજસ્થાન અને દિલ્હીનો રેકોર્ડ
જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું પલડું ભારે જોવા મળે છે. જયપુરમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે 6 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે અને 2 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં દિલ્હીનો અને 3 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.
સ્પિનરોને પિચ પર મદદ મળશે
જયપુરમાં છેલ્લી મેચ ડબલ હેડરની પ્રથમ મેચ હતી. ગુરુવારે રમાનાર મેચ સાંજે યોજાશે. પરિસ્થિતિ બદલાવાની અપેક્ષા છે. સામાન્ય રીતે બેટ્સમેનોને પિચમાંથી મદદ મળે છે. સ્પિનરો પણ પ્રભાવશાળી રહી શકે છે. રાજસ્થાન પાસે અશ્વિન અને ચહલ છે તો દિલ્હી પાસે કુલદીપ યાદવ છે.





