IPL 2024 RR vs RCB Eliminator : આઈપીએલ 2024માં એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ 22 મે ના રોજ સાંજે 7.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો બન્ને ટીમ માટે કરો યા મરો સમાન રહેશે. જે ટીમ હારશે તેના અભિયાનનો અંત આવી જશે. બીજી તરફ જીતનાર ટીમ ક્વોલિફાયર-2 મુકાબલામાં રમાશે.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં 14 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો 14 મેચમાંથી 8 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. આઈપીએલમાં રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો આરસીબીનું પલડું થોડું ભારે છે.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચો રમાઇ છે. જેમાં 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે અને 13 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. ત્રણ મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 70 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 58 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે રાજસ્થાનનો 6 વિકેટે વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પ્લેઓફ : કેકેઆરનો પ્લેઓફમાં 62% સક્સેસ રેટ, જુઓ કેવો છે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ
અમદાવાદમાં બેગ્લોર અને રાજસ્થાનનો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર આ સ્ટેડિયમમાં 5 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 206 છે અને લોએસ્ટ સ્કોર 145 રન છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો 15 મેચ રમ્યું છે. જેમાં રાજસ્થાનનો 9 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 201 રન છે અને લોએસ્ટ સ્કોર 102 રન છે.