IPL 2024 SRH vs RR Qualifier 2 : આઈપીએલ 2024માં ક્વોલિફાયર-2 મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 24 મે ના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલો બન્ને ટીમ માટે કરો યા મરો સમાન રહેશે. જે ટીમ હારશે તેના અભિયાનનો અંત આવી જશે. બીજી તરફ જીતનાર ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે. જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં 15 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો 15 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ છે.
રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 19 મુકાબલા થયા છે. જેમાં 9 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 10 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 220 અને લોએસ્ટ સ્કોર 102 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 127 રન છે. 2024ની સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાયા ત્યારે હૈદરાબાદનો 1 રને રોમાંચક વિજય થયો હતો.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યા વગર જ કરોડોનો માલિક છે યુવરાજ સિંહનો શિષ્ય
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન અને હૈદરાબાદનો રેકોર્ડ
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના રેકોર્ડની વાત કરવામાં આવે તો તે આ સ્ટેડિયમમાં 10 મેચ રમ્યું છે. જેમાં 1 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 177 રન છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો 9 મેચ રમ્યું છે. જેમાં રાજસ્થાનનો 2 મેચમાં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 223 રન છે અને લોએસ્ટ સ્કોર 141 રન છે.





