IPL 2024 Match Rescheduled : ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2024ની બે મેચોના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચની મેચ 17 એપ્રિલ 2024ના રોજ ઇડન ગાર્ડન્સ ખાતે યોજાવાની હતી. હવે આ મેચ એક દિવસ પહેલા 16 એપ્રિલ 2024ના રોજ રમાશે. જ્યારે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 16 એપ્રિલ 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાવાની હતી. હવે આ મેચ 17 એપ્રિલ 2024ના રોજ રમાશે.
બીસીસીઆઈએ મેચોના કાર્યક્રમમાં ફેરફારનું કારણ આપ્યું નથી. જોકે રિપોર્ટ અનુસાર રામનવમીના કારણે આવું થયું છે. 17 એપ્રિલે રામ નવમી છે અને તેને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસે સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. બંગાળમાં 19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન પણ છે. આવી સ્થિતિમાં કેટલાક સુરક્ષાકર્મીઓ પણ આમાં વ્યસ્ત રહેશે.
શું કહ્યું કોલકાતા પોલીસે?
પીટીઆઈના જણાવ્યા અનુસાર કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલ (સીએબી)ના અધ્યક્ષ સ્નેહાશિષ ગાંગુલીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મેચ રામ નવમીના દિવસે આવી રહી છે અને કેટલાક સુરક્ષા કર્મચારીઓને ચૂંટણી માટે પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેથી અમારા માટે 17 એપ્રિલે રમાનારી મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવી શક્ય બનશે નહીં.
આ પણ વાંચો – રોહિત શર્મા આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ખેલાડી બન્યો
લોકસભાની ચૂંટણી સાથે જ આઈપીએલ યોજાશે
આઈપીએલ 2024 સંપૂર્ણપણે ભારતમાં લોકસભા ચૂંટણી 2024 વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલનો કાર્યક્રમ સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. આ કાર્યક્રમની જાહેરાત બે તબક્કામાં કરવામાં આવી હતી. શરૂઆતમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના કાર્યક્રમ બાદ આઇપીએલની બાકીની મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. બંગાળ એવા રાજ્યોમાંથી એક છે જ્યાં ચૂંટણીના તમામ સાત તબક્કામાં મતદાન થશે. ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂને સમાપ્ત થશે.