Who is Angkrish Raghuvanshi : આઈપીએલ 2024માં બુધવારે (3 એપ્રિલ) ભારતમાંથી વધુ એક યુવા પ્રતિભા સામે આવી છે. દિલ્હીમાં જન્મેલા અંગક્રિષ રઘુવંશીએ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તે મેચમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. આ પછી રઘુવંધીને બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે બેટિંગ કરવાની તક મળી હતી. જેમાં આક્રમક અડધી સદી ફટકારીને પોતાની પ્રતિભા બતાવી હતી.
અંગક્રિશે તેની ફ્રેન્ચાઇઝી માટે પ્રથમ ઇનિંગ્સમાં ઝંઝાવાતી ઇનિંગ રમી હતી. અંગક્રિશ રઘુવંશીએ 27 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે 54 રન બનાવ્યા હતા. તેણે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે સુનીલ નારાયણ સાથે 104 રનની ભાગીદારી કરીને મેચમાં દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધું હતું. અંગક્રિશની સફર કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછી નથી. તે ત્રણ મહાનગરોની આસપાસ ફરતી જોવા મળે છે. તે દિલ્હીમાં જન્મો, ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને કોલકાતા તરફથી મેચ રમતો પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.
ભાઈને કેન્સર હતું અને તે હોસ્પિટલમાં ઊંઘતો હતો
રઘુવંશીએ 11 વર્ષની ઉંમરે ગુડગાંવ છોડી દીધું હતું અને પોતાનું કૌશલ વધારવા માટે મુંબઇ ગયો હતો. આ ઓપનર બેટ્સમેને 2022ના અંડર-19 વર્લ્ડ કપમાં 278 રન ફટકાર્યા હતા. તે સમયે યશ ઢુલની કેપ્ટનશિપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. અંગક્રિશનો નાનો ભાઈ કૃષ્ણ ટેનિસ ખેલાડી છે. તે બાળપણમાં બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો. ત્યારે અંગક્રિશ હોસ્પિટલમાં ઊંઘતો હતો. તેણે પોતાના ભાઈને એકલો છોડ્યો ન હતો આ કારણે તે માનસિક રીતે મજબૂત બની ગયો હતો.
આ પણ વાંચો – મયંક યાદવે દિલ્હી માટે સર્વિસિસની ઓફર ફગાવી હતી, ઋષભ પંતના કોચની મદદથી બન્યો ‘રાજધાની એક્સપ્રેસ’
ભાઈની સારવારે તેને માનસિક રીતે મજબૂત બનાવ્યો
અંગક્રિશની માતા મલિકા રઘુવંશીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અંગક્રિશ અમારી સાથે હોસ્પિટલોમાં ઊંઘતો હતો. તે પાંચ વર્ષ સૌથી ભયાનક હતાં. તેણે ક્યારેય તેના નાના ભાઈને એકલો છોડતો ન હતો. હા, અમે તેને બધું જ પૂરું પાડ્યું છે, પરંતુ કૃષ્ણની સારવારની પ્રક્રિયાએ તેને માનસિક રીતે મજબૂત બનાવ્યો છે.
અભિષેક નાયર અંગક્રિશના કોચ છે
અંગક્રિશ રઘુવંશીએ 2023માં મુંબઇ માટે લિસ્ટ એ અને ટી 20માં ડેબ્યૂ કર્યું હતું. 18 વર્ષીય ખેલાડીએ સીકે નાયડુ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે નવ મેચમાં 765 રન બનાવ્યા હતા. ડોમેસ્ટિક વ્હાઇટ-બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જેના કારણે તેને કેકેઆરએ હરાજીમાં પસંદ કર્યો હતો, જ્યાં તેના બાળપણના કોચ અભિષેક નાયર સપોર્ટ સ્ટાફના સભ્ય છે.