IPL 2025 : આઇપીએલ 2025ને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. મેગા હરાજીથી ઇમ્પેક્ટ પ્લેયરના નિર્ણય અંગે સંશય છે. બીસીસીઆઈના સચિવે આઈપીએલની આગામી સિઝનમાં 85 મેચોની સંભાવના પર પણ નિવેદન આપ્યું છે.
ઇમ્પેક્ટ પ્લેયર ફરી લાગુ થશે?
એક મીડિયા સંસ્થાનના કાર્યક્રમ દરમિયાન જય શાહે કહ્યું હતુ કે તેમણે બીસીસીઆઇ સાથે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ અંગે વાત કરી છે. તેમણે કહ્યું કે અમે ફ્રેન્ચાઇઝીઓ અને ડોમેસ્ટિક ક્રિકેટ ટીમો સાથે તાજેતરની એક બેઠકમાં આ નિયમ વિશે વાત કરી હતી. આ નિયમના કેટલાક ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે.
તેમણે કહ્યું કે ફાયદો એ થાય છે કે એક વધારાના ખેલાડીને તક મળે છે, જ્યારે ઓલરાઉન્ડર્સને આ નિયમના કારણે નુકસાન થાય છે. આપણે બ્રોડકાસ્ટર્સ વિશે પણ વિચારવું પડશે. એક વહીવટકર્તા તરીકે મારી આ ફરજ છે.
આ પણ વાંચો – દુલીપ ટ્રોફી : સંજુ સેમસન-રિંકુ સિંહને કર્યા નજરઅંદાજ, શું ટેસ્ટ રમવા લાયક નથી? આ છે ઘરેલું ક્રિકેટના આંકડા
ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ થવા વિશે પણ જય શાહે કહ્યું કે આગામી એક સપ્તાહમાં નિર્ણય લેવામાં આવશે. સૈયદ મુસ્તાકની મેચો સવારે 10 વાગ્યાથી શરુ થવાને લઇને પણ કેટલીક ટીમો સંઘર્ષ કરી રહી છે. ઘણી બધી મેચોનું આયોજન કરવાનું છે. અમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ ટીમોને સવારે અને સાંજે બરાબર મેચો રમવા મળે.
આઈપીએલ 2025માં 84 મેચ રમાશે
જય શાહે કહ્યું કે આઈપીએલ 2025માં 84 મેચ થશે કે નહીં તે હજુ નક્કી નથી. તેમણે કહ્યું કે હજી કશું નક્કી થયું નથી. અમે સાથે મળીને તેનો નિર્ણય કરીશું. અમારે ખેલાડીઓના વર્કલોડ અને વિન્ડોનું ધ્યાન રાખવું પડશે. આ કોન્ટ્રાક્ટમાં છે પરંતુ બીસીસીઆઈ તેના પર પછીથી નિર્ણય લેશે.
જય શાહે એ પણ ખુલાસો કર્યો કે શા માટે બીસીસીઆઈએ ત્રણેય ફોર્મેટ માટે એક જ કોચ રાખ્યો છે. જય શાહે કહ્યું કે આપણે જે કોચની પસંદગી કરી છે તેની વાત આપણે સાંભળવી પડશે. જ્યારે અમે ગૌતમ ગંભીરની પસંદગી કરી હતી અને તે ત્રણેય ફોર્મેટમાં કોચ બનવા માગે છે તો હું કોણ છું કે તેને કહું કે તમે આ ફોર્મેટમાં કોચિંગ ના કરો.