આઈપીએલ 2025ની મેગા હરાજી ખતમ થઇ ગઇ છે. આગામી સિઝન માટે દરેક ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. ગુજરાત ટાઇટન્સે પણ પોતાની 25 સભ્યોની દમદાર ટીમ બનાવી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે કુલ 119.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ટીમે સૌથી મોંઘા ખેલાડી તરીકે જોસ બટલરની (15.75 કરોડ રૂપિયા) ખરીદી કરી હતી. જોકે નવાઇની વાત એ છે કે ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ છે પણ ટીમમાં એકપણ ખેલાડી ગુજરાતી નથી.
પ્રથમ બે સિઝનમાં ગુજરાતનો હાર્દિક પંડ્યા કેપ્ટન હતો
આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની એન્ટ્રી 2022માં થઇ હતી. શરૂઆતમાં ટીમે ગુજરાતના હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. તે ટીમની આશા પર ખરો ઉતર્યો હતો અને ટીમને પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનાવી હતી. બીજી સિઝનમાં પણ ટીમ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રનર્સ અપ થઇ હતી. જોકે આ પછી આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સનો સાથ છોડી દીધો હતો.
હાર્દિકના ગયા પછી ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ આઠમાં સ્થાને રહી હતી. હવે આ હરાજીમાં ગુજરાત ટાઇટન્સે એકપણ ગુજરાતી પ્લેયર્સને ખરીદ્યો નથી. એટલે કે ટીમના નામમાં તો ગુજરાત છે અને હોમગ્રાઉન્ડ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે પણ ટીમમાં એકપણ ગુજરાતી પ્લેયર જોવા મળશે નહીં.
હરાજીમાં 20 ખેલાડીઓ ખરીદ્યા અને પાંચને રિટેન કર્યા હતા
ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025ની મેગા હરાજીમાં 20 ખેલાડીઓ ખરીદ્યા હતા. આ પહેલા ટીમે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. એટલે કે ટીમમાં હવે કુલ 25 ખેલાડીઓ થઇ ગયા છે. ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલ (16.50 કરોડ), રાશિદ ખાન (18 કરોડ), સાઇ સુદર્શન(8.50 કરોડ), રાહુલ તેવટિયા (4 કરોડ) અને શાહરૂખ ખાન (4 કરોડ) ને રિટેન કર્યા હતા.
આ પણ વાંચો – ઋષભ પંતને કરવી પડશે માથાપચ્ચી, આવી હોઇ શકે છે લખનઉ સુપર જાયન્ટ્સની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન
પાર્થિવ પટેલને બે જવાબદારી મળી
ટીમમાં ભલે એકપણ ગુજરાતી ખેલાડી ન હોય પણ ટીમ સાથે ગુજરાતના પાર્થિવ પટેલને નવી જવાબદારી મળી છે. ગુજરાત ટાઇટન્સે ભારતના ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલને નવા આસિસ્ટન્ટ અને બેટીંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
ગુજરાત ટાઇટન્સ ટીમ
શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, શેરફેન રધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, મહિપાલ લોમરોર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર,ગેરાલ્ડ કોએત્ઝી, અર્શદ ખાન , કરીમ જનાત, આર સાઈ કિશોર, ગુરનૂર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, માનવ સુથાર, જયંત યાદવ, કુલવંત ખેજરોલિયા, મોહમ્મદ સિરાજ, કાગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા.