આઈપીએલ 2025 : ઇમ્પેક્ટ પ્લેયર બન્યા ગેમ ચેન્જર, આ મેચમાં હાર-જીતની બાજી પલટાવી

IPL 2025 Impact Player Rule : આઈપીએલ 2025માં ઈમ્પેક્ટ પ્લેયર્સનો નિયમ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીમો માટે તેનો ઉપયોગ મેચો પર જબરજસ્ત પ્રભાવ પાડી રહ્યો છે

Written by Ashish Goyal
March 26, 2025 15:52 IST
આઈપીએલ 2025 : ઇમ્પેક્ટ પ્લેયર બન્યા ગેમ ચેન્જર, આ મેચમાં હાર-જીતની બાજી પલટાવી
દિલ્હી કેપિટલ્સના આશુતોષ શર્મા અને પંજાબ કિંગ્સના વિજય કુમાર વૈશાકને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Impact Player Rule : આઈપીએલ 2025માં ઈમ્પેક્ટ પ્લેયર્સનો નિયમ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ટીમો માટે તેનો ઉપયોગ મેચો પર જબરજસ્ત પ્રભાવ પાડી રહ્યો છે, કેટલીક વખત કોઈ ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ જતી હોય છે. જોકે કેટલીક વખતે તે હારની બાજી પલટાવી નાખે છે. છેલ્લી બે મેચમાં આવી જ સ્થિતિ જોવા મળી છે.

ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ શું છે

આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ સૌપ્રથમ વખત 2023માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આની પાછળનો ઈરાદો એ છે કે દરેક ટીમ જરુરિયાત અનુસાર મેચમાં સબસ્ટીટ્યૂટ પ્લેયરને તક આપી શકે છે. આઇપીએલના ઇમ્પેક્ટ પ્લેયર રૂલ્સ અનુસાર ટીમોને મેચ શરૂ થાય તે પહેલા પોતાની પ્લેઇંગ ઇલેવન ઉપરાંત 5 ખેલાડીઓને સબસ્ટિટ્યૂટ તરીકે રાખવાની છૂટ છે. મેચ દરમિયાન બંને ટીમના કેપ્ટનને પ્લેઇંગ ઇલેવનમાં એક ખેલાડીની જગ્યાએ આ 5માંથી કોઇ એક ખેલાડીને રમાડવાની મંજૂરી આપવામાં આવી છે. તે કેપ્ટન પર નિર્ભર છે કે તે બેટ્સમેન અથવા બોલરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લે છે.

પ્રથમ મેચ – કેકેઆર વિ આરસીબી

આઈપીએલ 2025ની પ્રથમ મેચમાં કેકેઆરે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વૈભવ અરોરાના ઉપયોગ કર્યો હતો. તેણે 3 ઓવરમાં 42 રનમાં 1 વિકેટ ઝડપી હતી. બીજી તરફ આરસીબીએ દેવદત્ત પડ્ડીકલનો ઉપયોગ કર્યો હતો. જેણે 10 બોલમાં 10 રન બનાવ્યા હતા. આમ પ્રથમ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર ખાસ કમાલ કરી શક્યા ન હતા.

બીજી મેચ – હૈદરાબાદ વિ રાજસ્થાન

બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એડમ ઝમ્પાનો ઉપયોગ કર્યો હતો. જેણે 4 ઓવરમાં 48 રન આપી એક વિકેટ ઝડપી હતી. બીજી તરફ રાજસ્થાન રોયલ્સે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સંજુ સેમસનનો સારી રીતે ઉપયોગ કર્યો હતો. સેમસને 37 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 66 રન બનાવ્યા હતા. જોકે ટીમનો પરાજય થયો હતો.

આ પણ વાંચો – આઈપીએલ 2025, રાજસ્થાન વિ કોલકાતા હેડ ટુ હેડ રેકોર્ડ, જુઓ રસપ્રદ આંકડા

ત્રીજી મેચ – મુંબઈ વિ ચેન્નઇ

ત્રીજી મેચમાં મુંબઈ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વિગ્નેશ પુથુરનો શાનદાર ઉપયોગ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બીજી તરફ સીએસકેનો ઇમ્પેક્ટ પ્લેયર રાહુલ ત્રિપાઠી ફ્લોપ રહ્યો હતો. તે ફક્ત 2 રન બનાવી આઉટ થયો હતો.

ચોથી મેચ – દિલ્હી વિ હૈદરાબાદ

આ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયરનો સૌથી સારો ઉપયોગ થયો હતો. દિલ્હી કેપિટલ્સના ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માએ હારેલી બાજી જીતાડી હતી. 212 રનના પડકાર સામે એકસમયે દિલ્હીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સાતમાં નંબરે ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા આવ્યો હતો અને તેણે 31 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 66 રન બનાવી ટીમને શાનદાર જીત અપાવી હતી. હૈદરાબાદના ઇમ્પેક્ટ પ્લેયર સિદ્ધાર્થે 4 ઓવરમાં 39 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

પાંચમી મેચ – ગુજરાત વિ પંજાબ

ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચમાં પણ ઇમ્પેક્ટ પ્લેયર ગેમ ચેન્જર સાબિત થયો હતો. 15મી ઓવરમાં શ્રેયસ ઐયરે વિજય કુમાર વૈશાકને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યો હતો. આ સમયે ગુજરાતની ટીમનો સ્કોર 14 ઓવરમાં 2 વિકેટે 169 રન હતો. આ પછી વૈશાકે ઈનિંગની 15મી ઓવરમાં માત્ર 5 રન અને 17મી ઓવરમાં માત્ર 5 રન જ આપ્યા હતા. તેણે 3 ઓવરમાં માત્ર 28 રન આપ્યા હતા. આ કારણે ગુજરાત પર જરૂરી રનરેટનું દબાણ વધી ગયું કે નિર્ધારિત ઓવરોમાં તેઓ લક્ષ્યથી 12 રનથી પાછળ રહી ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ