KKR Vs RCB Weather/Pitch Report: IPL 2025 સીઝનની શરૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. આ પ્રથમ મેચ ઈડન ગાર્ડનના મેદાન પર રમાશે. બંને ટીમ આ સિઝનમાં નવા કેપ્ટન સાથે એન્ટ્રી કરવા જઈ રહી છે. KKRના કેપ્ટન અજિંક્ય રહાણે છે જ્યારે RCBની કેપ્ટનશીપ રજત પાટીદારના હાથમાં છે.
ઈડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ છે. અહીં ઝડપી બોલરોને ઇનિંગ્સની શરૂઆતમાં થોડી મદદ મળે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યાં તાજેતરની મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 180-190ની આસપાસ રહ્યો છે.
અહીં 93 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 38 વખત જીત મેળવી છે જ્યારે પીછો કરતી ટીમે 55 મેચ જીતી છે. અહીં ટોસ જીતનારી ટીમ 49 વખત જીતી છે અને ટોસ હારનારી ટીમ 44 વખત જીતી છે.
ઈડન ગાર્ડન્સ ખાતેનો 262નો સ્કોર IPLમાં સૌથી વધુ સ્કોર છે, જે KKR સામે પંજાબ કિંગ્સે બનાવ્યો હતો. આ મેદાન પર સૌથી ઓછો સ્કોર 49 રન છે અને આ અનિચ્છનીય રેકોર્ડ RCBના નામે છે.
KKR અને RCBનો હેડ ટુ હેડ રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે, જેમાંથી કોલકાતાએ 20 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુએ 14 મેચ જીતી છે. બંને ઈડન ગાર્ડનના મેદાન પર 12 વખત સામસામે આવી ચુક્યા છે. કેકેઆર તેના હોમ ગ્રાઉન્ડ પર ઉપર છે. તેણે 12માંથી 8 મેચ જીતી છે, અને RCBએ 4 મેચ જીતી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે 12માંથી 9 મેચ જીતીને ચેમ્પિયન બની હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14માંથી 7 મેચ જીતી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત હશે જ્યારે બંને એક સીઝનની પ્રથમ મેચ રમશે. આ પહેલા માત્ર 2008માં એટલે કે પ્રથમ સિઝનમાં આ બંને વચ્ચે સીઝનની ઓપનર રમાઈ હતી. આમાં KKR જીત્યું હતું.
કોલકાતા હવામાન અપડેટ
ભારતીય હવામાન વિભાગ (IMD)ના ન્યૂ અલીપુર કાર્યાલયે શુક્રવાર અને શનિવાર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. તેણે કોલકાતા સહિત ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા, ભારે પવન, વીજળી, કરા અને મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. “શુક્રવારે ઝારગ્રામ, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા, પૂર્વા બર્ધમાન, હુગલી અને હાવડામાં જોરદાર પવન, વીજળી, કરા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે,” IMDએ જણાવ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે વરસાદની 80 ટકા શક્યતા છે. મેચ દરમિયાન એટલે કે સાંજે 7 વાગ્યાથી મોડી રાત સુધી વરસાદ થવાની પણ આશંકા છે. આઈપીએલના નિયમો મુજબ લીગ તબક્કાની મેચો માટે એક કલાકનો વધારાનો સમય હોય છે. આનો અર્થ એ છે કે પાંચ ઓવરની મેચનો કટ-ઓફ સમય રાત્રે 10:56 છે. આમાં, મેચનો અંત સમય બપોરે 12:06 છે.