IPL 2025 Mega Auction Date: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા મેગા આઈપીએલ ઓક્શન યોજાય તેવી શક્યતા છે. તાજેતરમાં જ આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓની મિટિંગ મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલ સાથે યોજાઈ હતી. આ સમય દરમિયાન મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓએ મિની હરાજીની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી પણ મેગા હરાજી થવાની સંભાવના છે. આ મહિનાના અંત સુધીમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
આઈપીએલ 2025 ઓક્શન કેટલા દિવસ ચાલશે?
આઈપીએલ 2024માં મિની હરાજી થઈ હતી. આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને ટીમમાં અમુક જગ્યા ભરવાની હતી, જેના કારણે હરાજી પણ તે જ દિવસે ચાલી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક માટે રેકોર્ડ બ્રેકિંગ બોલી લાગી હતી. સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ 24.75 કરોડમાં ખરીદ્યો હતો. જો આઇપીએલ 2025 અગાઉ મેગા હરાજી થાય તો ફ્રેન્ચાઈઝીઓએ નવી ટીમની રચના કરવી પડશે. આવી સ્થિતિમાં હરાજી બે દિવસ સુધી ચાલી શકે છે.
આઈપીએલ 2025 ઓક્શન ક્યારે થશે?
આઇપીએલ 2023 અને 2024માં ડિસેમ્બરમાં હરાજી કરવામાં આવી હતી. જોકે, આ મિની ઓક્શન હતું. આઈપીએલ 2022 દરમિયાન મેગા ઓક્શન થયુ હતુ. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં હરાજી કરવામાં આવી હતી. આ ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતુ. આવી સ્થિતિમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આઈપીએલ 2025 ઓક્શન થઈ શકે છે.
કેટલા ક્રિકેટ ખેલાડી રિટેન થઇ શકે છે?
ભારતીય ક્રિકેટ બોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ખેલાડીઓને રિટેન કરવાના નિયમોની જાહેરાત ઓગસ્ટના અંત સુધીમાં કરી શકે છે. આઇપીએલ 2022 મેગા ઓક્શન અગાઉ ફ્રેન્ચાઈઝીઓને 4 ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપવામાં આવી હતી. ત્યાર બાદ બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) અને ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેલ થઇ હતી.
આ પણ વાંચો | વિરાટ કોહલી MI કે CSK ને નહીં, આ ટીમને માને છે આઈપીએલમાં પોતાની સૌથી મોટી હરિફ
આઇપીએલ 2025 મેગા ઓક્શનમાં 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી મળી શકે છે. રાઇટ ટુ મેચ (આરટીએમ) વિકલ્પ પણ હોઇ શકે છે. 2022માં સેલેરી કેપ 90 કરોડ રૂપિયા હતી. આ વખતે સેલેરી કેપ 120 કરોડ રૂપિયા હોઈ શકે છે.