IPL 2025 Mega Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સ (જીટી) પહેલીવાર મેદાનમાં ઉતર્યું હતું. પ્રથમ સીઝનમાં જીટી ટીમ આઈપીએલ ચેમ્પિયન બની હતી. જો કે આઈપીએલ 2023માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)માં ગયા બાદ શુભમન ગિલની કેપ્ટનશીપમાં જીટી ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તે 8માં નંબર પર હતી. તે સીઝનમાં ખેલાડીઓને થયેલી ઈજાથી પણ ટીમ પરેશાન હતી.
જો આઇપીએલ 2025 પહેલા મેગા હરાજી થાય તો ગુજરાત ટાઇટન્સે ખેલાડીઓને રિટેન કરતી વખતે ભારે મનોમંથન કરવું પડશે. આનું કારણ એ છે કે ટીમમાં શુબમન ગિલ, રાશિદ ખાન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, કેન વિલિયમસન અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ છે. ગત સિઝનમાં શમી ઈજાના કારણે એક પણ મેચ રમ્યો નહતો. આઇપીએલની હરાજી વિશે હજુ સુધી નિયમો જાહેર કરવામાં આવ્યા નથી. શક્ય છે કે ફ્રેન્ચાઈઝીઓ પાસે 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હોય. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે રીટેન્શન માટે ગુજરાત ટાઇટન્સના ટોપ -3 પિક કોણ હશે.
ગુજરાત ટાઇટન્સ આ 3 ખેલાડીઓને રિટેન કરશે
શુબમન ગિલ (Shubman Gill)
શુબમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. હાર્દિક પંડ્યાની વિદાય બાદ તેને ગુજરાત ટાઇટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટનશીપમાં ટીમ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હોવા છતાં ગિલ ટીમમાં જ રહે તેવી શક્યતા છે. મેનેજમેન્ટ તેમની આસપાસ એક ટીમ બનાવવા માંગે છે. દરમિયાનમાં તે તેની પ્રથમ સીઝનમાં કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો હોવા છતાં તેણે સારી બેટિંગ કરી હતી, જે ગુજરાત ટાઇટન્સમાં રાખવાનું બીજું કારણ છે.
ગુજરાત ટાઇટન્સ સાથેની તેની પ્રથમ સિઝનમાં ગિલે 16 મેચમાં 483 રન ફટકાર્યા હતા અને ટાઈટલ જીત્યું હતુ. 2023માં, તેણે વધુ સારું પ્રદર્શન કર્યું. 17 મેચોમાં 890 રન બનાવ્યા હતા અને તે ટૂર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. ઇપીએલ 2024માં ગિલે 12 મેચમાં 426 રન ફટકાર્યા હતા, જેમાં એક સદી અને બે હાફ સેન્ચ્યુરી સામેલ છે.
મોહમ્મદ શમી (Mohammed Shami)
મોહમ્મદ શમી એ આઈપીએલ 2022 અને 2023માં ગુજરાત ટાઇટન્સના શાનદાર પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2022માં તેણે 20 વિકેટ ઝડપી હતી. 2023 માં તે 28 વિકેટ સાથે આ સિઝનમાં લીગનો સૌથી સફળ બોલર હતો. તેના નામે પર્પલ કેપ હતી. આ પછી 2024માં તે ઈજાના કારણે રમ્યો નહતો. ટીમ તેને 2025ની સિઝન પહેલા રિટેન કરી શકે છે.
આ પણ વાંચો | IPL 2025 પહેલા મેગા ઓક્શન, ક્યારે અને કેટલા દિવસ ચાલશે હરાજી, કેટલા ખેલાડી રિટેન કરી શકાશે? જાણો
રાશિદ ખાન (Rashid Khan)
અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન ટી-20 ક્રિકેટમાં કોઈ પણ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તે માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ ટીમને જીતાડી શકે છે. ઘણી વખત તેમના કેમિયો જોવા મળે છે. રાશિદ ખાનને ગુજરાત ટાયટન્સે આઈપીએલ 2022 ની મેગા ઓક્શન પહેલા ડ્રાફ્ટ માંથી પોતાની ટીમમાં સામેલ કરી દીધો હતો. તેણે 2024માં 10, 2023માં 27 અને 2023માં 19 વિકેટ ઝડપી હતી.