Indian Premier League 2025 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પૂર્વે મેગા ઓક્શન થવાની છે. જેને પગલે દરેક ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ બદલાઇ જવાની પ્રબળ સંભાવના છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આ અંગે હજુ સત્તાવાર નિયમો જાહેર કરાયા નથી. સત્વરે આ અંગે જાહેરાત કરાશે. જે અનુસાર ટીમ ફ્રેન્ચાઇઝી રિટેન્શન હાથ ધરશે.
આઇપીએલ 2025 મેગા ઓક્શન થાય એ પૂર્વે એની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. કયા ખેલાડીઓ રિટેન થશે અને કયા ખેલાડીઓ છુટા કરાશે એ મુદ્દે હાલ લખનઉ સુપર જાયન્ટ્સ ચર્ચામાં છે. એલએસજી નવી ફ્રેન્ચાઇઝી છે તે આઇપીએલ સિઝન 2022 થી આવી છે. આઇપીએલ પ્રારભ સાથે જ આ ટીમે પોતાનો દમ બતાવ્યો હતો અને સિઝન 2022 અને 2023 માં પ્લેઓફમાં પહોંચી હતી. પરંતુ વર્ષ 2024 માં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમમાં કેપ્ટન કેએલ રાહુલ, ક્વિંન્ટન ડિકોક, નિકોલસ પૂરન, કુણાલ પંડ્યા, માર્ક્સ સ્ટોઇનિસ સહિત દિગ્ગજ ખેલાડીઓ છે. જોકે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં કેપ્ટન કેએલ રાહુલ સહિત ત્રણ દિગ્ગજ ખેલાડીઓની છુટ્ટી લગભગ નક્કી જ છે. ક્વિંન્ટન ડિકોક અને કુણાલ પંડ્યા તો મેગા ઓક્શન પહેલા જ રિલીઝ થાય એવી સંભાવના છે.
કેએલ રાહુલ સામે લટકતી તલવાર?
કેએલ રાહુલ લખનઉ સુપર જાટન્ટ્સ ટીમનો કેપ્ટન છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ રાહુલને રિટેન કરવાના મૂડમાં નથી. રાહુલે કોલકાતામાં ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયન્કા સાથે મુલાકાત કરી હતી પરંતુ આ મામલે રાહુલને ટીમ રિટેન કરશે જ એવું કોઇ આશ્વાસન મળ્યું નથી. આ મામલે બીસીસીઆઇ દ્વારા સત્તાવાર રીતે નિયમો જાહેર કરાય પછી જ ખબર પડશે કે રાહુલ એલએસજીનો હિસ્સો રહેશે કે કેમ?
આઇપીએલ મેગા ઓક્શન ક્યારે થશે? જાણો
કેએલ રાહુલ રિટેન ન થવા પાછળનું કારણ?
લખનઉ સુપર જાયન્ટ્સને પ્લે ઓફ સુધી પહોંચાડનાર કેપ્ટન કેએલ રાહુલ એક સમયે ટીમ મેનેજમેન્ટ માટે ખાસ હતો. પરંતુ ગત સિઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનથી ટીમ ફ્રેન્ચાઇઝી રાહુલથી નારાજ છે. વધુમાં રાહુલનું ફોર્મ પણ હાલમાં કંઇ ખાસ નથી. ટીમ ઇન્ડિયાની ટી20 ટીમમાં પણ રાહુલ સ્થાન બનાવી શક્યો નથી.એ પણ એક મોટું કારણ છે.





