આઇપીએલ મેગા હરાજી : પોતાના 30% ખેલાડીઓને રિટેન કરવા માંગે છે ફ્રેન્ચાઇઝી, પર્સમાં થઇ શકે છે 20 કરોડનો વધારો

IPL Mega Auction: બીસીસીઆઇએ આઇપીએલની મેગા હરાજીની રિટેન્શન પોલિસીને આખરી ઓપ આપવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ મહિનાના અંતમાં માલિકોની બેઠકમાં અંતિમ નિર્ણયને પગલે આ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

Written by Ashish Goyal
July 03, 2024 12:24 IST
આઇપીએલ મેગા હરાજી : પોતાના 30% ખેલાડીઓને રિટેન કરવા માંગે છે ફ્રેન્ચાઇઝી, પર્સમાં થઇ શકે છે 20 કરોડનો વધારો
આઇપીએલ ટ્રોફી (તસવીર - આઈપીએલ ટ્વિટર )

IPL Mega Auction : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઈઝીએ આગામી ત્રણ સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની સંખ્યા વધારવાની વિનંતી કરી છે. 10 ફ્રેન્ચાઈઝીના અભિપ્રાય અલગ-અલગ રહ્યા છે, પણ મોટા ભાગનાએ અગાઉ કરતાં વધુ રિટેન્શનની માગ કરી છે. ટીમ પોતાના લગભગ 30 ટકા ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. વર્ષ 2021માં ભારતીય ક્રિકેટ બોર્ડે ફ્રેન્ચાઈઝીઓને વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરવાની છુટ આપી હતી. જેમાં ત્રણથી વધુ ભારતીય અને બે થી વધુ વિદેશી ખેલાડીઓ હોઈ શકે નહીં. આ વખતે પર્સમાં પણ 20 કરોડનો વધારો થઈ શકે છે.

ક્રિકબઝના મતે બીસીસીઆઇએ રિટેન્શન પોલિસીને આખરી ઓપ આપવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ મહિનાના અંતમાં માલિકોની બેઠકમાં અંતિમ નિર્ણયને પગલે આ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે બધા માલિકો હાજર રહેવા માટે ઉપલબ્ધ હોય ત્યારે મીટિંગ થવાની અપેક્ષા છે. તેમાંથી કેટલાક હાલમાં પારિવારિક બાબતોમાં વ્યસ્ત છે.

બીસીસીઆઇના કાર્યકારી સીઇઓ અને આઇપીએલના ઇન્ચાર્જ હેમાંગ અમીને તાજેતરમાં જ આગામી ત્રણ વર્ષ માટે પોલિસી અને સેલેરી કેપ અંગે તેમના મંતવ્યો મેળવવા માટે ફ્રેન્ચાઈઝીના સીઈઓની સલાહ લીધી હતી.

રાઇટ ટુ મેચ કાર્ડ અંગે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો

આ વર્ષના અંતમાં મેગા હરાજી છે અને રાઇટ ટુ મેચ (આરટીએમ) કાર્ડ અંગે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. 2021માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ પાંચથી સાત રિટેન્શનની વચ્ચે વિનંતી કરી છે. એકે તો આઠની સલાહ આપી છે. જ્યારે કેટલીક ટીમોએ કહ્યું છે કે કોઈ રિટેન્શન જ ન હોવું જોઈએ. તેમને માત્ર આરટીએમ જ જોઈએ છે. બીસીસીઆઇએ કહ્યું છે કે તે માલિકોની બેઠકમાં તેના નિર્ણયો જાહેર કરશે.

આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો

ઇમ્પેક્ટ પ્લેયર નિયમ યથાવત્ રહેવાની અપેક્ષા

ફ્રેન્ચાઇઝીઓના પર્સ વિશે સીઈઓની સલાહ પણ લેવામાં આવી હતી અને મંતવ્યો અલગ અલગ હતા.પ્રચલિત મત એ છે કે પગારની રેન્જ 110-120 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે, પરંતુ 20 કરોડ રૂપિયાના વધારાને નકારી શકાય નહીં. હાલ આ મર્યાદા 100 કરોડ રૂપિયા છે. ક્રિકેટને લગતી બાબતો ખાસ કરીને ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વાતથી મીડિયા રાઇટ્સ હોલ્ડર સંતુષ્ટ હોવાનું જાણવા મળે છે. જોકે રમતગમત તરફથી ખાસ કરીને કોચિંગ સ્ટાફ તરફથી ફિડબેક ઓછો અનુકૂળ રહ્યો છે. જોકે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હાલ યથાવત્ રહેશે તેમ મનાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ