IPL Retention, આઈપીએલ રિટેન્શન : આઇપીએલ 2025ની મેગા હરાજી આ વર્ષના અંત ભાગમાં યોજાવાની છે. આઇપીએલની આ પાંચમી મેગા હરાજી છે. આ પહેલા 2011, 2014, 2018 અને 2022ની સિઝન માટે હરાજી થઈ ચૂકી છે. મેગા હરાજીમાં ટીમો તેમના કેટલાક ખેલાડીઓને રિટેન કરે છે, જ્યારે મોટાભાગના ખેલાડીઓને રિલીઝ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 16 સિઝનમાં કેટલાક જ ખેલાડીઓ એવા છે જેમને ક્યારેય રિલીઝ કરવામાં આવ્યા નથી.
સામાન્ય રીતે લોકોને લાગે છે કે રોહિત શર્મા હંમેશા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે, પરંતુ તે પહેલા તે ડેક્કન ચાર્જર્સનો ભાગ હતો. તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહ માત્ર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જ રમ્યો છે પરંતુ 2013માં ડેબ્યૂ બાદ તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જોકે તેને હરાજીમાં ફરીથી ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર રવિન્દ્ર જાડેજાને પણ રાજસ્થાન રોયલ્સે રિલીઝ કર્યો હતો.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી આઇપીએલમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2008માં તેને 12 લાખ રૂપિયામાં ટીમમાં સાઇન કરવામાં આવ્યો હતો, જે બાદ તેને ક્યારેય રિલીઝ કરવામાં આવ્યો નથી. કોહલી એક જ ટીમ તરફથી સૌથી વધુ આઇપીએલ મેચો રમનારો ખેલાડી છે. કોહલીને ચારેય મેગા હરાજીમાં જાળવી રાખવામાં આવ્યો છે અને આ વખતે પણ તેવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીને પણ ક્યારેય રિલીઝ કરવામાં આવ્યો નથી. ધોની 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો, ત્યારે તેને રુપિયા 6 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તે આ ફ્રેન્ચાઇઝી સાથે 15 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો. તે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ તરફથી બે સિઝન સુધી રમ્યો હતો, પરંતુ તે ક્યારેય રિલીઝ થયો ન હતો. તેણે 2018માં ચેન્નઈ સુપર કિંગ્સમાં વાપસી કરી હતી.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારતના પરાજય બાદ WTC પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, જાણો શું છે ટીમોની સ્થિતિ
સુનીલ નારાયણ
સુનીલ નારાયણ પણ આઈપીએલ કરિયરમાં માત્ર એક જ ટીમ તરફથી રમી રહ્યો છે અને તેને ક્યારેય રિલીઝ કરવામાં આવ્યો નહોતો. નારાયણ 2012માં કેકેઆરમાં જોડાયો હતો. આ ઓલરાઉન્ડર કેકેઆર માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આઇપીએલના ઇતિહાસમાં તે એકમાત્ર એવો ખેલાડી છે કે જેને ત્રણ વખત મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે.
ઋષભ પંત
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતની આઇપીએલ કારકિર્દી ભલે 9 વર્ષની હોય પણ તે માત્ર ઘરેલું ટીમ દિલ્હી કેપિટલ્સ તરફથી જ રમ્યો છે અને ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કર્યો નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ તેને રિલીઝ કરવામાં નહીં આવે.
સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે આઇપીએલની પ્રારંભિક સિઝનમાં ભાગ લીધો હતો. તે 2008થી 2013 સુધી આ લીગનો ભાગ રહ્યો હતો. તે આ તમામ વર્ષોમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો રહ્યો હતો. સચિનને ક્યારેય ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો નથી. નિવૃત્તિ બાદ પણ તે ટીમ સાથે જોડાયેલા છે.





