IPL 2025: આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ ટીમમાં એક મોટી અપડેટ બહાર આવી છે. ટીમના બેટિંગ કોચ માઇકલ હસીએ સંકેત આપ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સનું નેતૃત્વ કરતો જોઇ શકાય છે. સીએસકે શનિવારે 5 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.
આ અપડેટ ત્યારે સામે આવી છે જ્યારે રુતુરાજ ગાયકવાડની દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રમવું શંકાસ્પદ છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન ચેન્નઈના સુપર કિંગ્સના કેપ્ટનને તુષાર દેશપાંડેનો બોલ વાગ્યો હતો. મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હસીએ કહ્યું હતું કે રુતુરાજ ગાયકવાડની કાલની મેચમાં ભાગીદારી એ વાત પર નિર્ભર કરશે કે તે કેટલો સ્વસ્થ છે. તે હજુ પણ ઈજાગ્રસ્ત છે અને આજે નેટ્સમાં તેની બેટીંગ બાદ અમે નિર્ણય લઈશું. જો તે નહીં રમે તો કેપ્ટન કોણ બનશે તે નક્કી નથી. પણ એ પ્રબળ સંભાવના છે કે કોઈ યુવા વિકેટકિપર તેનું સ્થાન લઇ શકે છે.
ધોનીએ છેલ્લે ક્યારે કેપ્ટનશિપ કરી હતી?
ધોનીની કેપ્ટનશિપમાં સીએસકેએ પાંચ આઇપીએલ ટાઇટલ અને બે ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યા છે. 43 વર્ષીય ધોનીએ છેલ્લે આઇપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઇનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં મેન ઇન યલો ટાઇટલ જીત્યું હતું.
આ પણ વાંચો – CSK માં કેવી રીતે નક્કી થાય છે ધોનીનો બેટિંગ ઓર્ડર? ટીમ માટે કેમ જરૂરી છે 43 વર્ષનો આ ખેલાડી, જાણો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સામે હાર
ધોની ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ માત્ર સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને ગાયકવાડે જ કરી છે. ચેન્નઈ ત્રણ મેચમાં બે પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. તેઓએ સકારાત્મક શરૂઆત કરીને કટ્ટર હરીફ મુંબઇ ઇન્ડિયન્સને ચાર વિકેટે પરાજય આપ્યો હતો પરંતુ તે પછીની બે મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો હતા.





