MS Dhoni : આઈપીએલ 2025માં બુધવારે (30 એપ્રિલ) પંજાબ કિંગ્સ સામે ટોસ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એવું નિવેદન આપ્યું હતું કે નિવૃત્તિની અટકળો શરૂ થઈ ગઈ હતી. ધોની જ્યારે પણ ટોસ માટે આવે છે ત્યારે ખૂબ જ શોર જોવા મળે છે. પંજાબ સામેની મેચ દરમિયાન જ્યારે ધોનીને બોલવાનો વારો આવ્યો ત્યારે ઘણો શોર જોવા મળ્યો હતો. આ પછી કોમેન્ટેટર ડેની મોરિસને તેને આઇપીએલ 2026માં રમવા અંગે સવાલ કર્યો હતા. ધોનીએ હસીને કહ્યું હતું કે તેને ખબર નથી કે તે આગામી મેચ રમશે કે નહીં.
આ પહેલીવાર નથી જ્યારે ડેની મોરિસને મહેન્દ્ર સિંહ ધોનીને નિવૃત્તિ અંગે સવાલ કર્યા હોય. વર્ષ 2020ની સિઝનમાં શરુ થયેલી પરંપરાને આગળ ધપાવતા મોરિસને ચેન્નાઈ-પંજાબની મેચમાં ટોસ દરમિયાન ધોનીને પુછ્યું હતું કે શું તે 2026ની સિઝનમાં રમશે?
મને ખબર નથી કે હું આગામી મેચ રમીશ કે નહીં
એક સમયે મોરિસનને ‘Definitely Not’ નો જવાબ આપનારા ધોનીએ ન્યૂઝીલેન્ડના બ્રોડકાસ્ટરને આશ્ચર્યજનક જવાબ આપીને ચોંકાવી દીધા હતા. ચેપોક સ્ટેડિયમમાં ધોની માટે શોર વચ્ચે મોરિસને પૂછ્યું કે શું તમે આવતા વર્ષે પણ રમશો? જેમાં ધોનીએ હસીને જવાબ આપ્યો હતો કે મને ખબર નથી હું આગામી મેચ રમીશ કે નહીં.
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશી સંઘર્ષ સ્ટોરી : મુશ્કેલથી ચાલી રહ્યું છે ઘર, મમ્મી ફક્ત 3 કલાક જ ઊંઘે છે
ચેન્નાઈએ પંજાબ સામેની મેચમાં જીતવું જ પડશે
આઈપીએલ 2025માં ચેન્નઈની હાલત ખરાબ છે. તે નવ મેચમાંથી માત્ર બે જ જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. રુતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયા બાદ ધોનીને સિઝનની અધવચ્ચે જ કેપ્ટન્સી સંભાળવી પડી હતી. ચેન્નાઈને પંજાબ સામેની મેચમાં જીતવું જરુરી છે. જો તે મેચ હારશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ જશે.