Oldest Players in IPL : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવા માટે ખૂબ જ ફિટનેસની જરુર હોય છે. આવી સ્થિતિમાં મોટી ઉંમરના ખેલાડીઓ માટે ખૂબ જ ઓછી તક છે. તેમ છતાં કેટલાક ખેલાડીઓ એવા છે કે જેમણે ઉંમરને માત્ર નંબર સાબિત કરી છે અને 40 વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ સારું પ્રદર્શન કર્યું છે.
આ યાદીમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે. તે 43 વર્ષનો છે, પરંતુ તે આઈપીએલ 2025માં રમતો જોવા મળશે. જોકે તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી નથી. આવો જાણીએ એવા ખેલાડીઓને જે 40 વર્ષથી વધુ ઉંમર પછી પણ આઈપીએલમાં રમ્યા છે.
બ્રેડ હોગ
બ્રેડ હોગ આઇપીએલના ઈતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી હોવાનો રેકોર્ડ ધરાવે છે. તે 45 વર્ષ અને 92 દિવસની ઉંમરે અંતિમ વખત રમ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ચાઇના મેન સ્પિનરે પોતાની છેલ્લી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી આઇપીએલ 2016માં ગુજરાત લાયન્સ સામે રમી હતી, જેમાં તેણે બે ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
હોગે 2012 અને 2013માં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. 2015માં કેકેઆર માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે છ મેચમાં 6.85ની ઈકોનોમીથી 9 વિકેટ ઝડપી હતી. ચાર સિઝનમાં તે 21 મેચ રમ્યો હતો અને 24.78ની એવરેજ અને 7.47ની ઈકોનોમીથી 23 વિકેટ ઝડપી હતી.
પ્રવિણ તાંબે
પ્રવીણ તાંબેને ખૂબ મોડા રમવાની તક મળી હતી. તેણે 2013માં રાજસ્થાન રોયલ્સ તરફથી 41 વર્ષ અને 212 દિવસની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે હજી પણ આઈપીએલ ઇતિહાસના સૌથી મોટી ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી છે. તેણે ગુજરાત લાયન્સ તરફથી પોતાની છેલ્લી મેચ 2016માં રમ્યો હતો ત્યારે તેની ઉંમર 44 વર્ષ અને 219 દિવસની હતી. પ્રવિણ તાંબેએ આઇપીએલની 33 મેચમાં 28 વિકેટ ઝડપી હતી. તેણે 2014માં કેકેઆર સામે હેટ્રિક લીધી હતી. વર્ષ 2022માં તેના પર બોલિવૂડ ફિલ્મ ‘કૌન પ્રવિણ તાંબે?’ બની હતી.
મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં સૌથી મોટી ઉંમરના એક્ટિવ ખેલાડી છે. ચેન્નઈ સુપર કિંગ્સની આઈપીએલ 2025 ટીમમાં સામેલ ધોની છેલ્લે 22 મે 2024 ના રોજ આરસીબી સામે રમ્યો હતો. ત્યારે તેની ઉંમર 42 વર્ષ અને 323 દિવસની હતી. તે લીગના ઈતિહાસનો ત્રીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. એમએસ ધોની આઈપીએલ 2025માં રમવાનો છે. 2023માં સીએસકેને પાંચમુ ટાઇટલ અપાવ્યા ધોની આઈપીએલ જીતનારો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન છે. તેણે રેકોર્ડ 264 મેચ રમી છે. તેણે 5243 રન બનાવ્યા છે જેમાં 24 અડધી સદી સામેલ છે.
મુથૈયા મુરલીધરન
શ્રીલંકાનો મહાન સ્પિનર મુથૈયા મુરલીધર આઇપીએલમાં 7 વર્ષ રમ્યો હતો. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (2008-2010), કોચી ટસ્કર્સ કેરાલા (2011) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2012-2014)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે આઇપીએલમાં પોતાની છેલ્લી મેચ 42 વર્ષ અને 35 દિવસની ઉંમરે રમી હતી. આઇપીએલની 66 મેચમાં તેણે 6.68ની ઈકોનોમી અને 26.92ની એવરેજથી 63 વિકેટ ઝડપી હતી.
ઇમરાન તાહિર
લેગ સ્પિનર ઇમરાન તાહિરે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઠ સિઝનમાં 59 આઇપીએલ મેચ રમી હતી અને તે 2018 અને 2021માં ચેમ્પિયન બનનાર ટીમમાં પણ સામેલ હતો. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2019માં રહ્યું હતું જ્યારે તેણે 17 મેચમાં 26 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાના આ લેગ સ્પિનરે પોતાની છેલ્લી આઈપીએલ મેચ 25 એપ્રિલ, 2021 ના રોજ આરસીબી સામે રમી હતી. તેણે 20.77ની એવરેજ અને 7.76ની ઈકોનોમીથી 82 વિકેટ ઝડપીને આઇપીએલ કારકિર્દી પુરી કરી હતી.





