IPL 2025: ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025 પહેલા ભારતના ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલને નવા આસિસ્ટન્ટ અને બેટીંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન તરીકે 17 વર્ષની ઝળહળતી કારકિર્દી સાથે, પાર્થિવ ટીમ માટે અનુભવ અને જ્ઞાનનો ખજાનો લઇને આવ્યો છે. પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વન-ડે અને 2 ટી-20 મેચ રમ્યો છે.
પાર્થિવ પટેલે ખેલાડી તરીકે આઈપીએલમાં 6 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું
પાર્થિવ પટેલે એક ખેલાડી તરીકે આઈપીએલમાં 6 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. પાર્થિવ પટેલ 2008થી 2010 સુધી ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ રહ્યો હતો. આઇપીએલ 2011માં તે કોચ્ચિ ટસ્કર્સ કેરાલા તરફથી રમ્યો હતો. આઇપીએલ 2012માં પાર્થિવ પટેલ ડેક્કન ચાર્જર્સ તરફથી રમ્યો હતો. આઇપીએલ 2012માં પાર્થિવ પટેલ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.
પાર્થિવ પટેલ આ પહેલા આઈપીએલ 2014માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. આઇપીએલ 2015થી 2017 સુધી મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ રહ્યો હતો. આઈપીએલ 2018થી 2020 સુધી તે ફરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બન્યો હતો.
પાર્થિવ પટેલ આઇપીએલમાં 3 વખત ચેમ્પિયન ટીમોનો ભાગ રહ્યો
પાર્થિવ પટેલ આઇપીએલમાં 3 વખત ચેમ્પિયન ટીમોનો ભાગ રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ જ્યારે આઇપીએલ 2010માં ચેમ્પિયન બની ત્યારે પાર્થિવ પટેલ તત્કાલીન એમએસ ધોનીની આગેવાની હેઠળની સીએસકેનો ભાગ હતો. આ પછી આઇપીએલ 2015 અને આઇપીએલ 2017માં મુંબઇ ઇન્ડિયન્સે જ્યારે ટાઇટલ જીત્યું ત્યારે તે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો હતો.
પાર્થિવ પટેલે આઈપીએલ બનાવ્યા છે 2828 રન
પાર્થિવ પટેલે આઈપીએલમાં 139 મેચમાં 22.60ની એવરેજ અને 120.78ની સ્ટ્રાઈક રેટથી 2848 રન બનાવ્યા છે. જેમાં 13 અડધી સદી ફટકારી છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે 31માં નંબર પર છે. તેણે અનુભવી ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ, કેરેબિયન ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ, વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ઈશાન કિશન કરતા વધુ રન બનાવ્યા છે.
ગુજરાત ટાઇટન્સે કહ્યું કે જેમ કે ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે તૈયારી કરી રહ્યું છે, બેટિંગ ટેકનિક અને વ્યૂહરચનાઓમાં પાર્થિવની સમજ ખેલાડીઓની કુશળતાને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોતાના ક્રિકેટ કૌશલ અને યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપવાની ક્ષમતા માટે પ્રસિદ્ધ પાર્થિવ તે કોચિંગ સ્ટાફને મજબૂત કરશે અને ખેલાડીઓનો વિકાસ અને પ્રદર્શનમાં યોગદાન આપશે.





