આઈપીએલ 2025માં આ ટીમ મેચ ફિક્સિંગના ઘેરામાં! જાણો કોણે લગાવ્યો આવો ગંભીર આરોપ

IPL 2025 Match Fixing: આઇપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 2 રને થયેલા પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પર ગંભીર મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે

Written by Ashish Goyal
April 22, 2025 15:46 IST
આઈપીએલ 2025માં આ ટીમ મેચ ફિક્સિંગના ઘેરામાં! જાણો કોણે લગાવ્યો આવો ગંભીર આરોપ
આઇપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 2 રને પરાજય થયો હતો

Rajasthan Royals Match-Fixing Allegations : આઈપીએલ 2025ની 36મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ હારથી પણ વધારે આ હાર પાછળનો વિવાદ ચર્ચાઇ રહ્યો છે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ની તદર્થ સમિતીના સંયોજક જયદીપ બિહાનીએ આ હારને શંકાસ્પદ ગણાવતાં રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે.

છેલ્લી ઓવરમાં પલટાઇ બાજી

181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત શાનદાર રહી હતી. યશસ્વી જયસ્વાલ (74 રન) અને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (34 રન)એ પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. આખરી ત્રણ ઓવરમાં માત્ર 25 રનની જરુર હતી અને ટીમની 8 વિકેટ બાકી હતી. છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી ત્યારે એલએસજીના ફાસ્ટ બોલર આવેશ ખાને પોતાની શાનદાર યોર્કર બોલિંગથી રમતની બાજી પલટી નાખ્યું હતું. રાજસ્થાન 178 રન બનાવી શક્યું હતું અને 2 રનથી મેચ હારી ગયું હતું.

રાજસ્થાન માટે આ હાર આઘાતજનક એટલા માટે હતી કારણ કે હોમગ્રાઉન્ડ પર આવી નજીકની મેચમાં જીતની અપેક્ષા ખુબ જ ઊંચી હતી. પરંતુ આ હારથી ક્રિકેટ પ્રેમીઓને આંચકો લાગ્યો હતો.

આરસીએના કન્વીનરના ગંભીર આરોપ

જયદીપ બિહાનીએ ન્યૂઝ18 રાજસ્થાનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાજસ્થાન રોયલ્સની હાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને પોતાના હોમગ્રાઉન્ડ પર છેલ્લી ઓવરમાં માત્ર 9 રનની જરુર હતી, છતાં ટીમનો પરાજય થયો હતો. આ સમજી ન શકાય તેવું નથી અને કંઈક તો ગરબડ છે. બિહાનીએ રાજસ્થાન રોયલ્સના ઈતિહાસનો ઉલ્લેખ કરતાં યાદ અપાવ્યું હતુ કે વર્ષ 2013માં ટીમના કેટલાક ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં ફસાઈ ગયા હતા. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીના માલિક રાજ કુંદ્રા પર સટ્ટાબાજીનો આરોપ લાગ્યો હતો, જેના કારણે રાજસ્થાન રોયલ્સને 2016 અને 2017ની આઇપીએલ સિઝનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો – અંતિમ ઓવરમાં અવેશ ખાને બાજી પલટાવી, લખનઉ સુપર જાયન્ટ્સનો 2 રને રોમાંચક વિજય

બિહાનીએ હારની તપાસની માંગ કરી છે. તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડ અને અન્ય તપાસ એજન્સીઓને આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરવા માટે વિનંતી કરી હતી. તેમનું કહેવું છે કે, આ પ્રકારની હારથી ટીમની પ્રતિષ્ઠાને તો નુકસાન થવાની સાથે સાથે રાજસ્થાનના યુવા ક્રિકેટરોના મનોબળને પણ અસર થાય છે.

સ્ટેડિયમ મેનેજમેન્ટ ઉપર પણ સવાલો

બિહાનીએ પોતાના ઈન્ટરવ્યૂમાં રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને આઈપીએલ ઈવેન્ટથી દૂર રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આરસીએને રાજ્ય સરકારે તદર્થ સમિતિના રૂપમાં નિમણૂક કરી હતી અને આ સમય દરમિયાન તમામ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આઈપીએલના સમયે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલે સ્ટેડિયમનો કબજો સંભાળી લીધો હતો.

તેમણે કહ્યું કે બીસીસીઆઈએ પહેલા તો આઈપીએલ માટે આરસીએને પત્ર મોકલ્યો હતો પરંતુ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને રાજસ્થાન રોયલ્સે બહાનું કાઢ્યું કે અમારી પાસે સવાઈ માનસિંહ સ્ટેડિયમના એમઓયુ નથી. જો કોઈ એમઓયુ ન થાય તો? શું તમે દરેક મેચ માટે સ્પોર્ટ્સ કાઉન્સિલને ચૂકવણી નથી કરતા? બિહાનીના નિવેદનથી આ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.

એક મેચ સુપર ઓવરમાં ગઈ હતી

આ પહેલી વખત નથી કે જ્યારે રાજસ્થાન રોયલ્સ આટલી નજીકની મેચમાં હારી ગયું હોય. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામે ટીમને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી અને તેમની 7 વિકેટ બાકી હતી. પરંતુ તે મેચ સુપર ઓવરમાં ગઈ અને રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો. સતત ચોથી હાર બાદ રાજસ્થાન રોયલ્સ હવે આઇપીએલ 2025ના પોઇન્ટ ટેબલમાં આઠમા ક્રમે આવી ગયું છે, જ્યાં તેના 8 મેચમાંથી માત્ર 2 જ વિજય અને 4 પોઇન્ટ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ