IPL 2025: આઈપીએલ 2025ની હરાજી બાદ આરસીબીની ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ટીમે આ હરાજી પહેલા 3 ખેલાડીઓને રિટેન કર્યા હતા અને તે પછી 19 ખેલાડીઓ ખરીદ્યા હતા. વિરાટ કોહલીને આ ટીમે 21 કરોડમાં રિટેન કર્યો હતો, જ્યારે હરાજીમાં સૌથી મોંઘો જોશ હેઝલવુડ રહ્યો હતો, જેને ટીમે 12.50 કરોડમાં ખરીદ્યો હતો. આ લીગની વાત કરીએ તો આરસીબી અત્યાર સુધી એક પણ વાર ટાઇટલ જીતી શકી નથી અને હવે આ ફ્રેન્ચાઇઝીને આશા હશે કે આ વખતે કંઇક અદ્ભૂત થશે, પરંતુ આગામી સિઝન માટે આ ટીમનો કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે.
શું કોહલી ટીમનો કેપ્ટન બનશે?
આમ જોવા જઈએ તો આરસીબીના આગામી કેપ્ટન તરીકે સૌથી મોટો દાવેદાર વિરાટ કોહલી છે, જેણે વર્ષ 2021માં આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ ટીમનો કેપ્ટન બન્યો હતો. કોહલીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આઈપીએલ 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.
કોહલીએ જે સમયે આ ટીમની કેપ્ટનશિપ છોડી હતી ત્યારે તે ખૂબ જ પ્રેશરમાં હતો અને આ કારણે તેણે આરસીબીની કેપ્ટનશિપ છોડી દીધી હતી, પરંતુ હવે કોહલીમાં તે પ્રકારનું દબાણ નથી, તેથી શું તે ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળશે તે એક મોટો સવાલ હશે. આમ પણ કોહલી લાંબા સમય સુધી આ ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે પણ ટીમને ક્યારેય ચેમ્પિયન બનાવી શક્યો ન હતો. જેથી ફ્રેન્ચાઈઝી તેનામાં ફરી વિશ્વાસ બતાવશે કે કેમ તે અંગે શંકા છે
કૃણાલ અને ભુવનેશ્વર પણ કેપ્ટનશિપના પ્રબળ દાવેદાર છે
વિરાટ કોહલી આગામી સિઝન માટે આરસીબીનો કેપ્ટન બનશે તો અન્ય કોઇ નામ પર વિચાર કરવાની કોઇ શક્યતા નહીં રહે. પરંતુ જો કોહલી ટીમનો કેપ્ટન નહીં બને તો આ સ્થિતિમાં આ ટીમમાં બે ખેલાડી એવા છે જે કેપ્ટનશિપ કરી શકે છે. કૃણાલ પંડ્યા અને ભુવનેશ્વર કુમાર આ નામો ટોચ પર આવે છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 : ટીમ ગુજરાત ટાઇટન્સ પણ ટીમમાં ગુજરાતી ખેલાડી એકેય નહીં
કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તેણે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરી છે, જ્યારે ડોમેસ્ટિક લેવલ પર તે દરેક ફોર્મેટમાં બરોડાની ટીમની કેપ્ટનશિપ કરે છે. એટલે કે તેનામાં અનુભવની કોઈ કમી નથી. આ વખતે આરસીબીએ 10.75 કરોડમાં ખરીદેલા ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપ કરી છે અને તે અનુભવની દ્રષ્ટિએ પણ મોટો દાવેદાર છે.
આઈપીએલ 2025 માટે આરસીબીની સંપૂર્ણ ટીમ
વિરાટ કોહલી (21 કરોડ), રજત પાટીદાર (11 કરોડ), યશ દયાલ (5 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (8.75 કરોડ), ફિલ સોલ્ટ (11.50 કરોડ), જીતેશ શર્મા (11 કરોડ), જોશ હેઝલવૂડ (12.50 કરોડ), રસિકદાર (6 કરોડ), સુયાંશ શર્મા (2.60 કરોડ), કૃણાલ પંડ્યા (5.75 કરોડ), ભુવનેશ્વર કુમાર (10.75 કરોડ), સ્વપ્નિલ સિંહ (50 લાખ), ટિમ ડેવિડ (3 કરોડ), રોમારિયો શેફર્ડ (1.50 કરોડ), નુવાન તુષારા (1.60 કરોડ), મનોજ ભાંડગે – 30 લાખ, જેકલ બેથેલ – 2.60 કરોડ, દેવદત્ત પડિક્કલ – 2 કરોડ, સાત્વિક ચિકારા – 30 લાખ, લુંગી એનગિડી – 1 કરોડ, અભિનંદન સિંહ – 30 લાખ, મોહિત રાઠી – 30 લાખ





