IPL 2026 Auction: આઈપીએલ 2026 ની મિની હરાજી16 ડિસેમ્બરે યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. ગ્રીને હરાજીમાં બેટ્સમેન તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેની બેઝ પ્રાઈઝ રુપિયા 2 કરોડ રાખી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (64.3 કરોડ રૂપિયા પર્સ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (43.4 કરોડ રૂપિયા પર્સ) તેને પોતાની ટીમમાં જોડી શકે છે.
જોકે ગ્રીન 18 કરોડ રુપિયાનો આંકડો પાર કરી શકશે નહીં. આવી સ્થિતિમાં તે આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંત, સૌથી મોંઘા વિદેશી ખેલાડી મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડી શકશે નહીં. તે પેટ કમિન્સને પણ પાછળ છોડી શકશે નહીં.
IPL 2025 ની મેગા હરાજીમાં ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ તેને 27 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સ (પીબીકેએસ)એ 26.75 કરોડમાં ખરીદ્યો હતો. વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડમાં ખરીદ્યો હતો. વર્ષ 2023માં મિશેલ સ્ટાર્કને કોલકાતાએ રુપિયા 24.75માં ખરીદ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ પેટ કમિન્સને 20.5 કરોડમાં ખરીદ્યો હતો. કમિન્સ હરાજીમાં રુપિયા 20 કરોડનો આંકડો પાર કરનારો સૌપ્રથમ ખેલાડી બન્યો. ગ્રીન આ યાદીમાં જોડાઈ શકશે નહીં. આ પાછળનું કારણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)નો મેક્સિમમ ફી નિયમ છે.
મેક્સિમમ ફી નિયમ
ફ્રેન્ચાઈઝીઓની સામૂહિક ચિંતાને દૂર કરવા માટે ગયા વર્ષે મેક્સિમમ ફી નો નિયમ લાવવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સપ્લાય-ડિમાન્ડના અસંતુલનનો ફાયદો ઉઠાવવા માટે જ કેટલાક વિદેશી ખેલાડીઓ ફક્ત મિની હરાજીમાં રજીસ્ટર કરાવી રહ્યા હતા. જેના કારણે આઇપીએલમાં મેક્સિમમ ફી નો નિયમ અમલમાં આવ્યો હતો. આ અંતર્ગત કોઈ વિદેશી ખેલાડીને રુપિયા 18 કરોડથી વધુની રકમ ચૂકવી શકાતી નથી, જે 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને રિટેન કરવા માટે સૌથી મોટો સ્લેબ હતો.
જો બોલી 18 કરોડ રૂપિયાથી વધુ થાય તો શું થશે?
જો બોલી રુપિયા 18 કરોડથી વધુની હશે તો બીસીસીઆઇ વધારાના નાણાંનો ઉપયોગ ખેલાડીઓની ભલાઈ માટે કરશે. આઇપીએલે ગયા વર્ષે ફ્રેન્ચાઈઝીઓને મોકલેલી એક નોટમાં કહ્યું હતું કે મિની હરાજીમાં કોઈ પણ વિદેશી ખેલાડીની હરાજી ફી સૌથી વધુ રિટેન્શન કિંમત (18 કરોડ રૂપિયા) અને મોટી હરાજીમાં સૌથી વધારે હરાજી કિંમત કરતાં ઓછી હશે.
આ પણ વાંચો – આઈપીએલની 2026ની હરાજી માં ગુજરાત રાજ્યના આ 22 ખેલાડીઓની બોલી લાગશે, જુઓ સંપૂર્ણ લિસ્ટ
જો કોઈ મોટી હરાજીમાં સૌથી વધુ હરાજી કિંમત 20 કરોડ રૂપિયા હોય તો તેની મર્યાદા 18 કરોડ રૂપિયા હશે. જો મોટી હરાજીમાં સૌથી વધુ હરાજીની કિંમત 16 કરોડ રૂપિયા છે, તો તેની મર્યાદા 16 કરોડ રૂપિયા હશે. જોકે મેક્સિમમ ફી નો નિયમ ભારતીય ખેલાડીઓને લાગુ થશે નહીં, જેમને બોલીને બધી રકમ મળશે, જે ફ્રેન્ચાઈઝીના પર્સમાંથી કાપી લેવામાં આવશે.





