sanju samson : આઈપીએલ 2024થી એવા અહેવાલો આવી રહ્યા છે કે સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સમાંથી ટ્રેડ કરવામાં આવી શકે છે. જોકે આ માર્ગમાં નિયમોથી માંડીને દ્રષ્ટીકોણ સુધીના ઘણા પેચ છે. શું કોઈ પણ ફ્રેન્ચાઇઝી એવા ખેલાડીને જાળવી રાખવા માંગે છે જે ટીમની સાથે રહેવા માંગતો નથી? આ સવાલો વચ્ચે એક વાત નક્કી છે કે કેપ્ટન સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મતભેદો સર્જાયા છે.
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર સંજુ સેમસને રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટને ઔપચારિક રીતે ટ્રેડ કરવા કે રિલીઝ કરવા વિનંતી કરી છે. સેમસનના પરિવારના સભ્યોએ ખુલ્લેઆમ કહ્યું છે કે તે હવે રોયલ્સ સાથે રહેવા માંગતો નથી. સંજુના કેટલાક નજીકના આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પણ સંકેત આપ્યા છે કે ફ્રેન્ચાઈઝી સાથેના તેના સંબંધો હવે પહેલા જેવા રહ્યા નથી.
સંજુ સેમસન નિર્ણય લઈ શકશે નહીં
આઇપીએલના નિયમ અનુસાર એક વખત ખેલાડી ફ્રેન્ચાઇઝી સાથે સાઇન કરે તો તે 3 વર્ષ સુધી પોતાની મરજી પ્રમાણે ચાલી શકતો નથી. તે ટ્રેડ થશે કે રિલીઝ, તેનો નિર્ણય ફક્ત ફ્રેન્ચાઇઝી જ લઇ શકે છે. તકનીકી રીતે, કરાર અને કાનૂની રીતે સેમસન વર્તમાન ચક્ર એટલે કે 2027 સિઝન સુધી રોયલ્સ માટે પ્રતિબદ્ધ રહેશે. કોઈ પણ ફ્રેન્ચાઈઝી માટે માર્કી પ્લેયરને રિલીઝ કરવું આસાન હોતું નથી.
રોયલ્સ મેનેજમેન્ટ વિકલ્પો શોધી રહ્યું છે
રોયલ્સ મેનેજમેન્ટ સક્રિય પણે વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ફ્રેન્ચાઇઝીએ સંભવિત ટ્રેડમાં રુચિનું મૂલ્યાંકન કરવા માટે ટીમોનો સંપર્ક કર્યો છે. કેટલાક લોકો સાથે પ્રારંભિક વાતચીત પણ થઈ છે. સેમસનના નજરિયાને સમજવું પણ મુશ્કેલ નથી. કેપ્ટન તરીકે તેણે પોતાનો બેટીંગ ઓર્ડર પસંદ કરવાની સ્વતંત્રતાની અપેક્ષા રાખી હોત. તેને ઇનિંગ્સની શરૂઆત કરવી ગમે છે. ભારતની ટી-20 ટીમમાં તેની આ જ ભૂમિકા છે.
આ પણ વાંચો – શુભમન ગિલ, ઐયર અને સાંઇ સુદર્શન ઇન, એશિયા કપ 2025 માટે આવી હોઇ શકે છે ભારતીય ટીમ
જોકે ગત સિઝનની મધ્યમાં રોયલ્સે યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીના રૂપમાં મજબૂત ઓપનિંગ જોડી બનાવી હતી. બંને આગામી સિઝનમાં પણ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જોકે સેમસન અને રોયલ્સ વચ્ચેના મતભેદોનું આ એકમાત્ર કારણ નથી.
ઓલ કેશ વન વે ટ્રેડ શક્ય નથી
કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ સેમસનને કરારબદ્ધ કરવામાં રસ દાખવ્યો છે પરંતુ કોઈએ પણ રોયલ્સ મેનેજમેન્ટને સ્વીકાર્ય ટ્રેડની ઓફર કરી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે ખુલ્લેઆમ રસ દાખવ્યો છે પરંતુ નીતિની બાબતમાં તેઓ તેમના ખેલાડીઓને રિલીઝ કરવા તૈયાર નથી. આનાથી સીધા ટ્રેડની સંભાવના દૂર થાય છે. સેમસન 18 કરોડ રૂપિયાનો ખેલાડી છે. આવી સ્થિતિમાં રોયલ્સ માટે ઓલ-કેશ વન-વે ટ્રેડ શક્ય નથી.
બોલ રોયલ્સની કોર્ટમાં છે
એમએસ ધોની અને રુતુરાજ ગાયકવાડ હાલમાં ચેન્નાઇમાં છે. એવું મનાય છે કે ટોચના ખેલાડીઓ અને મેનેજમેન્ટ ઓફિસિઅલ્સ વચ્ચે મિટિંગો થઈ ચૂકી છે. જોકે સેમસનના મુદ્દે ચર્ચા થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. સીએસકેના અધિકારીઓનું કહેવું છે કે તેમના માટે એકમાત્ર વિકલ્પ હરાજીમાં નસીબ અજમાવવાનો હોઈ શકે છે. અન્ય ફ્રેન્ચાઈઝીની પણ આવી જ સ્થિતિ છે. તે સેમસનને સાથે જોડવા માંગે છે, પરંતુ વિકેટકીપર-બેટ્સમેનના અનુભવ, કદ અને કુશળતાને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ રજૂ કરવામાં અસમર્થ છે. બોલ હવે રોયલ્સની કોર્ટમાં છે.





