IPL Auction 2024: ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024ની હરાજીમાં 20 વર્ષીય યુવા અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવી પર જોરદાર બોલી લગાવી છે. ચેન્નઇએ 20 લાખની બેઝ પ્રાઈઝવાળા આ ખેલાડીને 8 કરોડ 40 લાખ રૂપિયાની મોટી કિંમત આપીને ખરીદ્યો છે. સમીર રિઝવી રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે અને તે ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે.
ઉત્તર પ્રદેશના મેરઠના વતની સમીરને હજુ સુધી ટી-20 ક્રિકેટ મેચ રમવાનો ખાસ અનુભવ નથી. એટલું જ નહીં તે ડોમેસ્ટિક લેવલે ખાસ ફર્સ્ટ ક્લાસ કે લિસ્ટ એ મેચો રમ્યો નથી. જોકે તેણે જેટલી પણ મેચો રમી છે તેમાં તેણે પ્રભાવ પાડવામાં કોઈ કસર છોડી નથી અને તેને ભવિષ્યના ખેલાડી તરીકે જોવામાં આવે છે.
સમીર રિઝવીની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી
સમીર રિઝવીએ હાલમાં જ ડોમેસ્ટિક લેવલે રમાયેલી લિસ્ટ એ મેચોમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સાથે જ ડોમેસ્ટિક ટી-20 મેચોમાં પણ તેણે આક્રમક બેટ્સમેન તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. 20 વર્ષનો આ ખેલાડી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને ઝડપી રન બનાવવા માટે જાણીતો છે. તે અત્યાર સુધી ઘરેલુ સ્તર પર 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે જેમાં તેણે માત્ર 17 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – મિશેલ સ્ટાર્કે તોડ્યો પોતાના કેપ્ટન કમિન્સનો રેકોર્ડ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
સમીરની લિસ્ટ એ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે 11 મેચમાં 29.28ની એવરેજ સાથે 205 રન બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર અણનમ 61 રન છે. ટી-20 કરિયરની વાત કરીએ તો અહીં તેનું પ્રદર્શન માત્ર 11 મેચમાં સારું રહ્યું છે. તેણે આ મેચોમાં 49.16ની એવરેજ અને 134.70ની પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટ સાથે 295 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે અને શ્રેષ્ઠ સ્કોર અણનમ 75 રન છે. સમીર મિડલ ઓર્ડરમાં સીએસકે માટે ઉપયોગી બેટ્સમેન સાબિત થઈ શકે છે.





