પ્રત્યુષ રાજ : રાંચીના ગેલ નામથી પ્રખ્યાત રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ ઝેવિયર મિન્ઝ સેનાના નિવૃત્ત સૈનિક છે. 48 વર્ષની ઉંમરે હવે તે રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. 19 ડિસેમ્બર 2023ના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી દરમિયાન તે મુસાફરોને બોર્ડિંગ પાસ મેળવવામાં મદદ કરી રહ્યા હતા. ત્યારે તેમના 21 વર્ષના પુત્રને ખરીદવા માટે પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે સ્પર્ધા થઇ હતી.
ગુજરાતે રોબિનને 3.60 કરોડમાં ખરીદ્યો હતો અને તેના પિતાને સીઆઈએસએફના જવાને ગળે લગાવી લીધા હતા. તેમણે કહ્યું કે અરે ફ્રાન્સિસ સર તમે કરોડપતિ બની ગયા છો. ફ્રાન્સિસે ધ ઇન્ડિયન એક્સપ્રેસને આ વિશે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહે તેમને વચન આપ્યું હતું કે જો કોઇ તેમના પુત્રને નહીં ખરીદે તો તે તેને ખરીદી લેશે.
રોબિન મિન્ઝ આદિવાસી સમુદાયમાંથી આવે છે
રોબિન મિન્ઝનો પરિવાર આદિવાસી સમુદાયમાંથી આવે છે. તે ગુમલા જિલ્લાના તેલગાંવ ગામનો રહેવાસી છે. આ વિસ્તાર ક્રિકેટ માટે જાણીતો નથી, પરંતુ હોકી માટે જાણીતો છે. તેણે ઘણા વિશ્વ કક્ષાના હોકી ખેલાડીઓ પેદા કર્યા છે. લકડા ભાઈ-બહેન બિમલ, બિરેન્દ્ર અને અસુંતા તેના ઉદાહરણો છે. તે બધા ગુમલાના રહેવાસી છે.
રમતને કારણે જ પિતાને આર્મીમાં નોકરી મળી
ફ્રાન્સિસને પણ રમતમાં રસ હતો અને એથ્લેટિક્સ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને સૈન્યમાં નોકરી તરફ દોરી ગયો હતો. સેનામાં સામેલ થયા બાદ પરિવાર રાંચી જતો રહ્યો હતો. અહીં જ રોબિને ક્રિકેટની પસંદગી કરી હતી અને 2000ના દાયકાના મોટાભાગના બાળકોની જેમ શહેરના દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની જેવા બનવાની ઇચ્છા રાખી હતી.
ચંચલ બેનર્જી રોબિનના કોચ છે
ધોનીની જેમ ચંચલ બેનર્જી પણ તેમના બાળપણના કોચ છે. તેમને રોબિનને જોઇને ધોનીની યાદ આવે છે. તેમણે કહ્યું કે યુવાન છોકરો વિકેટકિપિંગ કરતો હતો અને જલ્દી બોલને મેદાનની બહાર ફટકારવા લાગ્યો હતો. જ્યારે માહીએ ભારત માટે ડેબ્યૂ કર્યું હતું ત્યારે રાંચીમાં એક જ ક્રિકેટ એકેડેમી હતી, હવે 15 છે. રાંચીમાં વિકેટકિપિંગ ગ્લોવ્ઝની માગ વધુ છે અને યુવા ક્રિકેટરો લાંબા વાળ રાખવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024માં કઇ ટીમમાં કયો ખેલાડી રમશે, જાણો બધી જ 10 ટીમોના પ્લેયર્સની ડિટેલ્સ
રોબિનના પિતા ધોનીને ક્યાં મળ્યા હતા?
ફ્રાન્સિસે એરપોર્ટ પર ધોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે હું તાજેતરમાં જ ધોનીને એરપોર્ટ પર મળ્યો હતો. તેણે મને કહ્યું કે ફ્રાન્સિસજી જો કોઈ નહીં લે, તો અમે તેને લઈશું. રોબિન રાંચીની સોનેટ ક્રિકેટ ક્લબમાં ત્રણ કોચ સાથે ટ્રેનિંગ લે છે. તેની બેટિંગ પર કામ કરતા આસિફ હકે તેની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના પાવરહાઉસ ક્રિસ ગેલ સાથે કરે છે.
રોબિનને કેમ કહેવામાં આવે છે રાંચીનો ગેઇલ?
આસિફે કહ્યું કે અમે તેને રાંચીનો ગેઇલ કહીએ છીએ. તે ડાબોડી બેટ્સમેન છે. શરીર એકદમ મજબૂત છે અને મોટા-મોટા છગ્ગા ફટકારે છે. તે નવા જમાનાનો ક્રિકેટર છે જેને પહેલા જ બોલથી જ બોલરોને ફટકારવાનું પસંદ છે. 200ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરવામાં માને છે. હું અને એસપી ગૌતમ (બિહારના ભૂતપૂર્વ ક્રિકેટર) તેની બેટિંગ પર કામ કરીએ છીએ અને તેને ગ્રાઉન્ડ શોટ રમવા માટે મનાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તે એક મુશ્કેલ કાર્ય છે. ચંચલ દા કહે છે તેમ તે તેને યુવાન માહીની યાદ અપાવે છે, કારણ કે તે નંબર 3 થી નંબર 7 સુધી ક્યાંય પણ ફ્લોટરની જેમ બેટિંગ કરી શકે છે.
રાંચી વિકેટકીપર આપી રહ્યું છે
રોબિનની જેમ ઝારખંડના અન્ય એક વિકેટકિપર બેટ્સમેન 19 વર્ષીય કુમાર કુશાગ્રાને પણ દિલ્હી કેપિટલ્સે હરાજીમાં રુપિયા 7.20 કરોડમાં ખરીદ્યો છે. થોડા વર્ષો પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રાંચીમાં ટ્રેનિંગ લેતા અન્ય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. ઈશાનને કોઈ પરિચયની જરૂર નથી.
રોબિન યાદ રાખે ધોનીની વાત
ચંચલે કહ્યું કે ધોની પછી અમે ઇશાનને ભારત તરફથી રમતો જોયો છે. આ હરાજીમાં કુશાગ્રા અને રોબિને ધૂમ મચાવી છે. તે બધા વિકેટકીપર અને બેટથી આક્રમક ખેલાડીઓ છે. જોકે કોચ ચંચલ અને આસિફ બંને ઈચ્છે છે કે રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં યોજાયેલા કેમ્પ દરમિયાન ધોનીએ તેમને જે કહ્યું હતુ તે રોબિનને યાદ રહે. આસિફ જણાવે છે કે સારું રમો છો તો, ઠીકથી રમો. તમારી વિકેટ ફેંકશો નહીં. સિક્સર ફટકાર્યા બાદ એક રન લેવાનો પ્રયાસ કરો. એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાનો પ્રયાસ કરશો નહીં.
યુવા માહી જેવો છે રોબિન
ચંચલ હસતાં હસતાં કહે છે તે થોડો યુવાન માહી જેવો છે. તે નીડર છે અને કોઈપણ બોલર પર આક્રમણ કરવાનું પસંદ કરે છે. તેણે ક્રિઝ પર કેટલો સમય વિતાવ્યો છે તેના કરતાં તેણે કેટલો દૂર સુધી સિક્સર ફટકારી છે તેની તેને વધુ ચિંતા છે. તેને તેના પિતા પાસેથી શિસ્ત વારસામાં મળી છે કારણ કે તેનો ઉછેર તે રીતે થયો હતો.
મિન્ઝ રાંચી એરપોર્ટ પર સિનિયર સેલિબ્રિટી બની ગયા
મિન્ઝ રાંચી એરપોર્ટ પર સિનિયર સેલિબ્રિટી બની ગયા છે, પરંતુ તે ડાઉન ટુ અર્થ છે. ફ્રાન્સિસે કહ્યું કે જ્યારે તે આઈપીએલમાં રમવા માટે ઉતરશે, ત્યારે હું અહીં રહીશ. મારી પાસે એક નોકરી છે અને બે પુત્રીઓ અભ્યાસ કરે છે અને હું ઇચ્છું છું કે રોબિન પણ તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે. પિતાનું કહેવું છે કે તેણે રોબિનને એ જ શીખવ્યું છે જે તેણે 9 બિહાર રેજિમેન્ટમાં શીખ્યું છે.
પિતાએ રોબિનને પ્રામાણિકતા અને વફાદારી શીખવી
રોબિનને પિતા કહે છે મેં તેને પ્રામાણિકતા અને વફાદારી શીખવી છે. હું આશા રાખું છું કે તે જમીન પર રહે અને તેના સ્વપ્નનો પીછો કરે. તમારું 100 ટકા આપો અને સખત મહેનત કરતા રહો. બિહાર રેજિમેન્ટમાં અમારો યુદ્ધ ઘોષ છે ‘કરમ હી ધરમ હૈ’. મેં તેને તે ધ્યાનમાં રાખવા કહ્યું છે.





